નવી દિલ્હી: ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર ક્ષેત્રને વેગ આપવા અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ અને વૈશ્વિક એન્જિનિયરિંગ તથા મેન્યુફેક્ચરિંગ કંપની જેબિલ ઇન્ક.એ 50:50 ભાગીદારીમાં સંયુક્ત સાહસ સ્થાપવા માટે બિન-બંધનકર્તા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાહસ હેઠળ ભારતમાં AI અને ડેટા સેન્ટર માટે જરૂરી હાર્ડવેરનું ઉત્પાદન અને એસેમ્બલી કરવાની યોજના છે. જોકે, આ કરારનો અમલ આખરી કરારો, જરૂરી મંજૂરીઓ અને અન્ય શરતોની પૂર્તિને આધીન રહેશે.
જૂન 2026માં બંને જૂથોએ ભારતમાં AI અને ડેટા સેન્ટર માળખાકીય સુવિધાઓ તથા ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ કરવા વ્યૂહાત્મક જોડાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે થયેલો સમજૂતી કરાર આ દિશામાં આગળનું પગલું છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે AI ક્ષેત્રના વિકાસ માટે માત્ર સોફ્ટવેર અને અલ્ગોરિધમ્સ પૂરતાં નથી; ઊર્જા, વિશાળ ડેટા સેન્ટર, અદ્યતન કમ્પ્યુટિંગ અને આધુનિક ઉત્પાદન ક્ષમતાઓનું સંકલન પણ જરૂરી છે. તેમણે જણાવ્યું કે અદાણી ગ્રુપ ઊર્જા અને ડેટા સેન્ટરથી આગળ વધીને AI કમ્પ્યુટિંગ માટે જરૂરી સિસ્ટમ્સના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રમાં પણ પોતાની ભૂમિકા વિસ્તારવા માગે છે. તેમના મતે, જેબિલ સાથેનું સૂચિત સંયુક્ત સાહસ આ દિશામાં વ્યૂહાત્મક પગલું છે.
જેબિલના મુખ્ય કાર્યકારી અધિકારી માઇક દસ્તુરે જણાવ્યું હતું કે ભારતમાં મોટા પાયે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉત્પાદન પ્લેટફોર્મ ઊભું કરવા માટે આ કરાર મહત્ત્વપૂર્ણ છે. જેબિલની એન્જિનિયરિંગ અને ઉત્પાદન કુશળતાને અદાણી ગ્રુપની ઊર્જા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓ સાથે જોડીને ભારત અને વૈશ્વિક બજારમાં ડેટા સેન્ટર માટેના ઉકેલો પહોંચાડવાની તક ઊભી થશે.
હાર્ડવેરનું ઉત્પાદન
AI રેક્સ, સર્વર્સ, સ્ટોરેજ, નેટવર્કિંગ સાધનો અને કૂલિંગ સિસ્ટમ્સનું ઉત્પાદન કરાશે.
સૂચિત સાહસમાં અનેક ગીગાવોટની સંયુક્ત પાવર ક્ષમતાને આધાર આપી શકે તેવી AI રેક્સ ઉત્પાદન ક્ષમતા વિકસાવવાની યોજના છે. ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.
ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા 2030 સુધીમાં 5થી 8 ગીગાવોટ સુધી પહોંચવાનો અંદાજ છે. AIનો વધતો ઉપયોગ, ક્લાઉડ સેવાઓનું વિસ્તરણ અને ડેટાના સ્થાનિક સંગ્રહની જરૂરિયાત આ વૃદ્ધિનાં મુખ્ય પરિબળો છે. સૂચિત સાહસનો હેતુ ભારતમાં વધતી માંગ પૂરી કરવા સાથે નિકાસને પણ ટેકો આપવાનો છે. કંપનીઓના અંદાજ મુજબ, આગામી સાત વર્ષમાં AI કમ્પ્યુટિંગમાં રોકાણને કારણે વૈશ્વિક બજારનું કદ 3 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ શકે છે.
ડેટા સેન્ટરની ક્ષમતા
ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા 2030 સુધીમાં 5થી 8 ગીગાવોટ થવાનો અંદાજ છે.
ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રના વિકાસને ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદો, 2023 અને કેન્દ્રીય બજેટ 2026માં જાહેર કરાયેલી 2047 સુધીની ડેટા સેન્ટર સંબંધિત કર રાહતથી પણ ટેકો મળવાની અપેક્ષા છે.
આ સૂચિત સાહસ અદાણી ગ્રુપની ઊર્જા, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર ક્ષેત્રની હાજરીમાં હાર્ડવેર ઉત્પાદનનો નવો વિભાગ ઉમેરશે. બીજી તરફ, જેબિલ માટે તે ભારતમાં ડેટા સેન્ટર ક્ષેત્રમાં એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષમતાઓ વિસ્તારવાની તક બની શકે છે.
રોકાણની યોજના
અદાણી ગ્રુપે 2035 સુધીમાં 5 ગીગાવોટ ક્ષમતાના AI-સજ્જ ડેટા સેન્ટરો વિકસાવવા 100 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
નાણાકીય વર્ષ 2026માં 36 અબજ ડોલરની આવક નોંધાવનાર જેબિલે હેનલી એનર્જી ગ્રુપ અને માઇક્રોસ ટેક્નોલોજીસના સંપાદન દ્વારા ડેટા સેન્ટર ક્ષેત્રમાં પોતાની ક્ષમતાઓ વિસ્તારી છે. હેનલી એનર્જી ગ્રુપ પાવર અને એનર્જી મેનેજમેન્ટના ઉકેલો પૂરા પાડે છે, જ્યારે માઇક્રોસ ટેક્નોલોજીસ ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ માટે લિક્વિડ-કૂલિંગ ઉકેલોમાં નિષ્ણાત છે.