સુરત-હજીરા: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ AM/NS ઇન્ડિયાએ પીએમ-સેતુ યોજના હેઠળ સુરત ક્લસ્ટરની પાંચ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ના આધુનિકીકરણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રોજેક્ટ માટે ₹240 કરોડનું રોકાણ મંજૂર કરવામાં આવ્યું છે. તેનો હેતુ યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું કૌશલ્ય આપીને રોજગાર માટે તૈયાર કરવાનો છે.

કરાર હેઠળ ITIના આધુનિકીકરણ અને સંચાલન માટે વિશેષ હેતુ કંપની (SPV) બનાવવામાં આવશે. તેમાં AM/NS ઇન્ડિયાની 51 ટકા, જ્યારે કેન્દ્ર અને ગુજરાત સરકારની 24.5-24.5 ટકા ભાગીદારી રહેશે.

પાંચ ITIનો સમાવેશ
સુરત, હજીરા, બારડોલી, સરકારી મહિલા ITI સચિન અને સરકારી મહિલા ITI સુરત.

આ પ્રોજેક્ટમાં તાલીમ સુવિધાઓનું આધુનિકીકરણ, અભ્યાસક્રમોમાં સુધારા, નવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો અને પ્રશિક્ષકોની તાલીમનો સમાવેશ થાય છે. સરકારી ITI, સુરત મુખ્ય તાલીમ કેન્દ્ર તરીકે કાર્ય કરશે અને અન્ય ચાર સંસ્થાઓને સહયોગ આપશે.

AM/NS ઇન્ડિયા તેના શૈક્ષણિક અને ટેકનિકલ ભાગીદાર ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (નેમટેક) સાથે મળીને પ્રોજેક્ટનો અમલ કરશે. વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં વપરાતાં સાધનો અને પદ્ધતિઓની વ્યવહારુ તાલીમ મળશે. તેનાથી ઉત્પાદન સહિતના સંબંધિત ઉદ્યોગોમાં રોજગાર માટે જરૂરી કૌશલ્યો વિકસાવવામાં મદદ મળશે. બંને મહિલા ITIની વિદ્યાર્થિનીઓને પણ લાભ થશે.

ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે આ ભાગીદારીથી ટેકનિકલ તાલીમ ઉદ્યોગોની જરૂરિયાતો સાથે જોડાશે અને સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધશે.

AM/NS ઇન્ડિયાના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ આશુતોષ તેલાંગે જણાવ્યું હતું કે કંપની પોતાના ઉત્પાદન ક્ષેત્રના અનુભવ અને નેમટેકની નિપુણતા દ્વારા તાલીમની ગુણવત્તા સુધારશે. વધુ સારી સુવિધાઓ અને પ્રશિક્ષકોની તાલીમથી વિદ્યાર્થીઓ ઉદ્યોગોમાં કામ કરવા માટે તૈયાર થશે.

રોકાણની વહેંચણી
AM/NS ઇન્ડિયા 51% | કેન્દ્ર સરકાર 24.5% | ગુજરાત સરકાર 24.5%.

ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ક્લસ્ટરની ચાર સરકારી ITIના આધુનિકીકરણ માટે પણ AM/NS ઇન્ડિયાએ કરાર કર્યો છે. બંને પ્રોજેક્ટમાં કુલ નવ ITI માટે ₹440 કરોડનું રોકાણ મંજૂર થયું છે.

PM-SETU યોજના
દેશની 1,000 સરકારી ITIના આધુનિકીકરણ અને પાંચ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે ₹60,000 કરોડની જોગવાઈ કરી છે. યોજનાનો હેતુ યુવાનોને રોજગારલક્ષી વ્યવહારુ કૌશલ્યો આપવાનો છે.