સુરત: સુરત જિલ્લામાં ખેડૂતોને ખેતરોમાંથી મોટર અને ખેતીનાં સાધનોની ચોરી, વીજતારની સમસ્યા તથા પાક બળી જવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનકુમાર એ. નાયકે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક અને દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) સમક્ષ રજૂઆત કરી વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માગ કરી છે.

ખેતરોમાં ચોરી અટકાવવા પોલીસ કાર્યવાહી માગી
નાયકના જણાવ્યા મુજબ, ઓલપાડ, કામરેજ અને માંડવી તાલુકાનાં ખેતરો તથા વાડીઓમાંથી સબમર્સિબલ અને વોટર મોટર, કેબલ વાયર તથા ખેતીનાં સાધનોની ચોરીની ઘટનાઓ વધી રહી છે. ખેતીની સિઝનમાં મોટરો ચોરાતાં પાકને પાણી આપવામાં મુશ્કેલી પડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

તેમણે પોલીસ સમક્ષ નીચે મુજબની માંગ કરી છે:
  • ખેતરોમાં થયેલી ચોરીના જૂના અને નવા ગુનાઓની ત્વરિત તપાસ કરી આરોપીઓને પકડવામાં આવે.
  • છેલ્લા ત્રણ વર્ષમાં મોટર ચોરી અંગે ખેડૂતો દ્વારા કરાયેલી અરજીઓનો અહેવાલ મંગાવી કાર્યવાહી કરવામાં આવે.
  • ચોરાયેલી મોટરો અને અન્ય સાધનો ખેડૂતોને પરત અપાવવા કાયદેસર પગલાં લેવાય.
  • DGVCLના અધિકારીઓ સાથે સંકલન કરીને ખેતી વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી મોટર, ટ્રાન્સફોર્મર અને વીજવાયરોની ચોરી અટકાવી શકાય.

ચોરી અટકાવવા માગ
ખેતરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને મોટર ચોરીના કેસોમાં ઝડપી કાર્યવાહી કરવાની રજૂઆત.

98 હેક્ટરમાં શેરડીનો પાક બળ્યાનો દાવો
વીજતારની સમસ્યાને કારણે શેરડીના પાકને થયેલા નુકસાનનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. નાયકના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે ત્રણ સુગર વિસ્તારના ખેડૂતોની કુલ આશરે 93 હેક્ટર જમીનમાં શેરડીનો પાક બળી ગયો છે.

કામરેજ સુગર: 12 ખેડૂત સભાસદોની આશરે 21 હેક્ટર જમીન.
ચલથાણ સુગર: 10 ખેડૂત સભાસદોની આશરે 40 હેક્ટર જમીન.
સાયણ સુગર: આશરે 15 ખેડૂત સભાસદોની 32 હેક્ટર જમીન.

આ ઉપરાંત, ચલથાણ સુગર વિસ્તારમાં ગત વર્ષે બે ખેડૂત સભાસદોની આશરે પાંચ હેક્ટર જમીનના પાકને નુકસાન થયું હતું. આમ, રજૂઆતમાં ચાલુ અને ગત વર્ષના આંકડા મુજબ કુલ આશરે 98 હેક્ટર જમીનના પાકને નુકસાન થયાનો ઉલ્લેખ છે.

જૂની વીજલાઇનો બદલવા અને વળતર ચૂકવવા માગ
માંડવી તાલુકાના પીપરિયા ગામે તૂટેલા વીજતારને કારણે ખેડૂતનું મોત થયાનો મુદ્દો પણ નાયકે રજૂઆતમાં ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આઠ દિવસ પહેલાં તૂટેલા વીજતાર અંગે ફોટા અને વીડિયો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કાર્યવાહી ન થતાં ખેડૂતે વીજ કરંટ લાગવાથી જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

98 હેક્ટરમાં પાકને નુકસાન
કામરેજ, ચલથાણ અને સાયણ સુગર વિસ્તારના ખેડૂતોની જમીનમાં શેરડીનો પાક બળ્યાનો રજૂઆતમાં ઉલ્લેખ.

આ મામલે DGVCL સમક્ષ નીચેની માગણીઓ કરવામાં આવી છે:
  • સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં જૂની અને જર્જરિત વીજલાઇનો તથા વીજપોલનો સર્વે કરી જરૂરિયાત મુજબ બદલવામાં આવે.
  • ખેતરોમાં વીજતારમાં સ્પાર્ક અને શોર્ટ સર્કિટની સમસ્યા દૂર કરવા નવી અને ગુણવત્તાસભર વીજલાઇનો નાખવામાં આવે.
  • પીપરિયા ગામના મૃતક ખેડૂતના પરિવારને યોગ્ય આર્થિક વળતર ચૂકવવામાં આવે.
  • બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે.

નહેરમાં પાણી બંધ થાય ત્યારે 12 કલાક વીજળીની માંગ
આગામી દિવસોમાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં પાણી બંધ કરવામાં આવનાર હોવાથી ખેડૂતોના પાક અને પશુચારા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નાયકે માગ કરી છે કે નહેરમાં ફરી સિંચાઈનું પાણી શરૂ થાય ત્યાં સુધી ખેડૂતોને દરરોજ 12 કલાક પૂરતી વીજળી આપવામાં આવે.

રોજ 12 કલાક વીજળીની માંગ
નહેરમાં સિંચાઈનું પાણી ફરી શરૂ થાય ત્યાં સુધી પાક અને પશુચારો બચાવવા ખેડૂતોને 12 કલાક વીજળી આપવા રજૂઆત.

શેરડી, શાકભાજી અને બાગાયતી પાકને નુકસાનથી બચાવવા ઉપરાંત પશુપાલકોને પશુચારા માટે પણ આ સુવિધા ઉપયોગી બનશે, તેમ રજૂઆતમાં જણાવાયું છે.

ખેડૂતોની ચોરી, વીજતાર અને પાકના નુકસાનને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવવા પોલીસ તથા વીજતંત્ર વહેલી તકે યોગ્ય અને કડક પગલાં ભરે તેવી અપેક્ષા દર્શનકુમાર એ. નાયકે વ્યક્ત કરી છે.