સુરત : પરિવારના મુખ્ય આધારસ્તંભનું અચાનક અવસાન થાય ત્યારે આર્થિક મુશ્કેલીઓની સાથે સંતાનોના ભવિષ્યની ચિંતા પણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા ગોંડલીયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ (PPSK) યોજના હેઠળ ₹10 લાખની સહાય મળતાં આર્થિક ટેકો સાંપડ્યો છે.

એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશભાઈ પરશોત્તમભાઈ ગોંડલીયાનું ડેન્ગ્યુની બીમારીના કારણે અવસાન થયું હતું. તેમના નિધનથી પત્ની મંજુલાબેન અને ત્રણ સંતાનો સહિત સમગ્ર પરિવાર પર મુશ્કેલીઓ આવી પડી હતી. તેમની પુત્રી આશ્વી ધોરણ-10માં, પુત્રી મિશ્રી ધોરણ-1માં અભ્યાસ કરે છે, જ્યારે પુત્ર માર્મિકની ઉંમર માત્ર એક વર્ષની છે. આવા સમયે સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત સંચાલિત PPSK યોજના પરિવારની મદદે આવી હતી.

₹10 લાખની આર્થિક મદદ
PPSKની સહાયથી ગોંડલીયા પરિવારને મુશ્કેલ સમયમાં આર્થિક ટેકો અને સંતાનોના ભવિષ્ય માટે આશાનું બળ મળ્યું.

પરિવારના જણાવ્યા મુજબ, સ્વજનને ગુમાવવાના આઘાતની સાથે ભવિષ્યની જવાબદારીઓ નિભાવવાની ચિંતા પણ સતાવતી હતી. જોકે, સગાં-સંબંધીઓ, મિત્રો અને સમાજના સહયોગથી પરિવાર ફરી સામાન્ય જીવન તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. PPSK તરફથી મળેલી સહાયે આ મુશ્કેલ સમયમાં પરિવારને આર્થિક મજબૂતીની સાથે હિંમત પણ પૂરી પાડી છે.

પરિવારજનોએ PPSK યોજનાની કાર્યપદ્ધતિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, યોજનાની સરળ પ્રક્રિયા અને પરિવારના ઘરે પહોંચીને સહાય આપવાની વ્યવસ્થાથી તેમને રાહત મળી હતી. મુશ્કેલીના સમયે માત્ર આર્થિક સહાય જ નહીં, પરંતુ સંવેદનશીલ અભિગમ અને હૂંફભર્યો સહકાર પણ પરિવાર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયો હતો.

પરિવારની સુરક્ષાનો સંદેશ
અણધારી આફતમાં પરિવારને આર્થિક સંકટથી બચાવવા દરેક પરિવારે PPSK જેવી યોજનામાં જોડાવું જોઈએ, તેવી પરિવારજનોએ અપીલ કરી હતી.

પરિવારે યોજનાની પાછળ રહેલા વિચાર અને તેના સંચાલનમાં જોડાયેલા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ, અન્ય પરિવારોને પણ PPSK સાથે જોડાવા અપીલ કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ, અણધાર્યા સંજોગોમાં પરિવારની આર્થિક સુરક્ષા જળવાઈ રહે તે માટે આવી યોજનાઓ ઉપયોગી બની શકે છે. તેમાં જોડાવાથી પોતાના પરિવારની સુરક્ષા સાથે જરૂરિયાતમંદ પરિવારોને સહયોગ આપવાની ભાવના પણ મજબૂત બને છે.

PPSK યોજના અંતર્ગત સહાયના ચેક વિતરણ અને પરિવારની મુલાકાત દરમિયાન યોજનાના કારોબારી સભ્યો પરેશભાઈ લાઠીયા અને પાર્થભાઈ કુકડીયા, સુરક્ષા સારથી સભ્ય યોગેશભાઈ ગોંડલિયા તથા પરિવારના અગ્રણી કરશનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને મુશ્કેલીના સમયમાં સહારો પૂરો પાડવા માટે સામૂહિક પ્રયાસોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું.

સમાજસેવાનો સંકલ્પ
PPSKનો વ્યાપ સુરતથી રાજ્યભરમાં વધારવા સામાજિક કાર્યક્રમો અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર પર ભાર મૂકાયો હતો.