સુરત:- વર્તમાન ન્યૂઝ.કોમ
ગુજરાતના વિવિધ બંદરો પર લાંબા સમયથી અટકાવી રાખવામાં આવેલા પોલીએસ્ટર FDY ના કન્ટેનરોને મુક્ત કરવા માટે કસ્ટમ્સ વિભાગે લીલી ઝંડી આપી દીધી છે. ચેમ્બર ઓફ કોમર્સ અને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ આજથી જ આ કન્ટેનરો છોડવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વિવાદની શરૂઆત ગુજરાત હાઈકોર્ટના સ્ટેથી થઈ હતી. ભારત સરકારના DCPC ના આદેશ ક્રમાંક 5134(E) દ્વારા પોલીએસ્ટર FDY યાર્ન માટેના ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) ને રદબાતલ કર્યો હતો. સરકારના આ નિર્ણયને M/s Orillon કંપની દ્વારા માનનીય ગુજરાત હાઇકોર્ટમાં SCA નં. 16973 ઓફ 2025 મારફતે પડકારવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગત ૦૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સરકારના એ આદેશ પર 'અંતરિમ સ્થગિતી' આપી દીધી હતી. આ સ્ટે ઓર્ડરના કારણે કસ્ટમ્સ વિભાગ દ્વારા બંદરો પર આયાતી યાર્નના કન્સાઇનમેન્ટ્સ અટકાવી દેવામાં આવ્યા હતા.
આ સ્ટે ઓર્ડરની સામે ભારત સરકાર દ્વારા હાઇકોર્ટમાં અપીલ (LPA નં. 419) દાખલ કરવામાં આવી હતી. આ અપીલ પર કાનૂની દલીલો સાંભળ્યા બાદ, માનનીય ગુજરાત હાઇકોર્ટે પોતાના મૌખિક આદેશ દ્વારા અગાઉ આપેલી સ્થગિતીને રદ (Vacate) કરી દીધી છે.
આ આદેશ ખૂબ મહત્વનો છે કારણ કે સરકારનો મૂળ આદેશ સમગ્ર પોલીએસ્ટર FDY યાર્ન માટે હતો, કોઈ એકાદ ક્વોલિટી પૂરતો નહીં. તેથી, હાઇકોર્ટે સ્ટે હટાવતા જ પોલીએસ્ટર FDY યાર્નની આખી શ્રેણી અને તેના તમામ સબ-ગ્રુપ્સ જેવા કે પોલીએસ્ટર મધર યાર્ન અને મોનો યાર્ન પરથી પણ સ્થગિતી આપોઆપ દૂર થઈ ગઈ છે.
આ કાનૂની સ્થિતિ સ્પષ્ટ થતાં જ ટેક્સટાઇલ ઉદ્યોગના હિતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલાએ આ બાબતે ગુજરાતના પ્રિન્સિપાલ ચીફ કમિશનર ઓફ કસ્ટમ્સ શ્રી પ્રણેશ પાઠક, કમિશનર ઓફ કસ્ટમ્સ શ્રી મનીષ કુલ્હારી અને એડિશનલ કમિશનર ઓફ કસ્ટમ્સ શ્રી રામ વિષ્ણોઈ સાથે CCFC (ક્લીયરન્સ ફેસીલીયેષણ કમિટી) ની સાથે એક ઓનલાઇન મીટિંગ કરવામાં આવી હતી.
આ બેઠકમાં બે મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના જુદા-જુદા પોર્ટ પર અટકેલા પોલીએસ્ટર FDY યાર્ન અને તેના તમામ સબ-ગ્રુપ્સના કન્ટેનરોને તાત્કાલિક અસરથી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ટૂંક સમયમાં POY યાર્નના કન્ટેનરો પણ રિલીઝ કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે.
કાપડ ઉદ્યોગ માટે આ કાચો માલ સમયસર મળી રહેવો ખૂબ જરૂરી છે. લાંબા સમયથી કરોડો રૂપિયાનો માલ બંદરો પર અટવાઈ પડવાના કારણે ઉત્પાદન પર માઠી અસર પડી રહી હતી. આ ગંભીર સમસ્યાનો સુખદ અને ઝડપી અંત લાવવા બદલ ચેમ્બરના પ્રમુખ શ્રી અશોકભાઈ જીરાવાલાએ કસ્ટમ્સ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓનો ટેક્સટાઇલ ઉદ્યોગ વતી હૃદયપૂર્વક આભાર માન્યો છે.
• Share •