સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતના વરાછા વિસ્તારમાં આજે ધોળા દિવસે લૂંટની એક મોટી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વરાછાના વ્યસ્ત ગણાતા વસંત ભિખાની વાડી પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં હથિયારી લૂંટારુઓ ત્રાટક્યા હતા અને અંદાજે ₹50 લાખ જેટલી મોટી રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકમાં રાબેતા મુજબ કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ધસી આવેલા લૂંટારુઓએ હથિયારોના જોરે કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી લીધા હતા. લૂંટારુઓએ ખૂબ જ ટૂંકા સમયમાં કેશ કાઉન્ટર અને તિજોરીમાંથી અંદાજે ₹50 લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બેંકની અંદર અને બહાર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા છે, જેના આધારે લૂંટારુઓના વર્ણન અને તેમની ભાગવાની દિશા અંગે તપાસ કરવામાં આવી રહી છે. શહેરના તમામ પ્રવેશ અને નિકાસ દ્વાર પર કડક નાકાબંધી કરી દેવામાં આવી છે. દરેક શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. વરાછા જેવા ગીચ અને વેપારી વિસ્તારમાં બપોરના સમયે બેંકમાં થયેલી આ લૂંટથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત પોલીસની વિવિધ ટીમો હાલ અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડવાનો દાવો કરી રહી છે.
• Share •