સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર કારકિર્દી માર્ગદર્શન મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ અંતર્ગત બુધવાર, તા. ૧પ એપ્રિલ, ર૦ર૬ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પી પી સવાણી યુનિવર્સિટીના પ્રોફેસરો પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રોફેસરો સુશ્રી પ્રિયા રાજ્યગુરુ, ડો. જૈનિશ ભગત અને ડો. રોનક મહેતા દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧ર પછી ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો, અભ્યાસક્રમો અને ભવિષ્યની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રોફેસરોએ પોતાના માર્ગદર્શન દરમિયાન પરંપરાગત વિચારસરણીથી બહાર આવીને કારકિર્દી પસંદ કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજના સમયમાં માત્ર ડિગ્રી મેળવવી પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશામાં યોગ્ય સમય પર લીધેલો નિર્ણય જ ભવિષ્યને આકાર આપે છે. વિદ્યાર્થીઓએ 'બીજા શું કરે છે? તેના કરતા મારા માટે શું યોગ્ય છે?' તે વિચાર સાથે આગળ વધવું જોઈએ.પ્રોફેસરોએ ઉદાહરણો સાથે સમજાવ્યું કે, ઘણા નવા ક્ષેત્રો જેવા કે ડેટા એનાલિટિકસ, ડિજિટલ માર્કેટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પોટ્ર્સ મેનેજમેન્ટ અને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હવે સારા કરિયર વિકલ્પો ઉભા થયા છે. જો વિદ્યાર્થી પોતાની રસના ક્ષેત્રમાં નિષ્ણાત બનવા પર ધ્યાન આપે, તો તે કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે.પ્રોફેસરોએ વધુમાં જણાવ્યું હતું કે, નિષ્ફળતા એ અંત નથી પરંતુ શીખવાનો એક મહત્વનો તબક્કો છે. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ જાળવી રાખીને સતત શીખવાની વૃત્તિ અપનાવવી જોઈએ. આજના સમયમાં લાઇફલોન્ગ લર્નિંગ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. ચેમ્બર ઓફ કોમર્સના એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન શ્રી મહેશ પમનાણીએ સ્વાગત સંબોધન કરી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે પ્રશ્નોતરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો પૂછીને યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.
• Share •