સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લેડીઝ વીંગ દ્વારા બુધવાર, તા. ૧પ એપ્રિલ, ર૦ર૬ના રોજ બપોરે ૩:૩૦ કલાકે સાયન્સ સેન્ટર ખાતે 'નારી શક્તિ વંદન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા સાહસિકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું.
મુખ્ય મહેમાન શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મહિલાઓના સર્વાંગી વિકાસ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓના સશક્તિકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને આર્થિક, શૈક્ષણિક તેમજ સામાજિક રીતે મજબૂત બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓએ આ યોજનાઓનો પૂરતો લાભ લઈ આત્મનિર્ભર બનવું જોઈએ અને પોતાના કૌશલ્ય તથા ક્ષમતાના આધારે સમાજમાં આગવી ઓળખ સ્થાપિત કરવી જોઈએ. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલાએ સ્વાગત સંબોધન કરતા જણાવ્યું હતું કે, મહિલાઓને સશક્ત બનાવવાનો મુખ્ય હેતુ તેમને યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન અને તક ઉપલબ્ધ કરાવવાનો છે. ચેમ્બર દ્વારા આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપવામાં આવે છે.
મુખ્ય વકતા તરીકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, મહિલા સશકિતકરણ વાતોથી નહીં થાય, સમાજે આ શબ્દનું મહત્વ સમજવું જોઇએ અને તેને સાચા અર્થમાં અમલીકરણ કરવું જોઇએ. આઝાદીથી માંડીને વર્તમાન સમયના રાષ્ટ્રપતિ સુધી મહિલાઓનું મહત્વ આપણા દેશમાં અને સમાજમાં રહ્યું છે. નારીની સહન કરવાની શકિતએ નારીને પુરુષ કરતા પણ વધારે મહત્વનું સ્થાન સમાજમાં આપ્યું છે. આ મહિલા રક્ષણ બીલ રાષ્ટ્રની દિશા અને દશા બદલી નાંખશે. વકતા તરીકે શ્રી ડી.આર. જોશી દ્વારા 'લિગલ સર્વિસિસ ઓથોરિટી એકટ ૧૯૮૭ – પર્સન્સ એન્ટાઇટલ ફોર ફ્રી લીગલ એઇડ્સ – એકિટવિટીઝ' અંતર્ગત મફત કાનૂની સહાય અને તેની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ખાસ કરીને મહિલાઓમાં કાનૂની હકો અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો તેમજ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩% અનામત અંગે માહિતી આપી હતી, જે મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. પ્રથમ એજ્યુકેશનના શ્રી ભાવિક રાવલ દ્વારા મહિલાઓ માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો અને મહિલાઓને શિક્ષિત બનાવવાથી સમાજના સર્વાંગી વિકાસને ગતિ મળે છે તે બાબત પર ભાર મૂકયો હતો. ડો. વિકાસ દેસાઈ દ્વારા શહેરમાં કુપોષણની સ્થિતિ (કુપોષણ દર) અને મહિલાઓમાં એનિમિયા (લોહીની ઊણપ) અંગે ચિંતાજનક પરિસ્થિતિ રજૂ કરી અને સમયસર ચકાસણી તથા યોગ્ય આહાર દ્વારા આરોગ્ય સુધારવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મહિલાઓએ પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. ચેમ્બરની લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન શ્રીમતી અલ્પાબેન મદ્રાસીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં જાગૃતિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે, જે તેમને આગળ વધવા માટે પ્રેરિત કરે છે. ચેમ્બરની લેડીઝ વીંગના સભ્ય શ્રીમતી સ્વાતિ શેઠવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં લેડીઝ વીંગના એડવાઇઝર શ્રીમતી રેશ્માબેન માંડલેવાલા અને ૩૦૦થી વધુ અલગ અલગ ક્ષેત્રની મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય જાગૃતિ અને કાનૂની હકો અંગે જાગૃતિ ફેલાવવાના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
• Share •