સુરતઃ- વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા બુધવાર, તા. ૮ એપ્રિલ, ર૦ર૬ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ગુજરાતનો પ્રથમ વિશાળ 'વુમન આંત્રપ્રિન્યોરશિપ કોન્કલેવ' ભવ્ય રીતે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રિમ કોર્ટના વકીલ સુશ્રી નુપુર શર્મા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નિષ્ણાત વક્તાઓ તરીકે હોલમાર્ક ઇન્ટરનેશનલના કો–ફાઉન્ડર સુશ્રી રાજલ સી., ડર્મેટોલોજિસ્ટ એન્ડ એસ્થેટિક એક્ષ્પર્ટ ડો. આંચલ પંથ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડો. શુભ્રા પાંડેએ મહિલા સાહસિકોને વિવિધ ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને ઉદ્યોગ ક્ષેત્રમાં પણ તેઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે ત્યારે આ કોન્કલેવનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યોગ સાહસિકોને એક મજબૂત મંચ પૂરું પાડવાનો હતો, જ્યાં તેઓ નેટવર્કિંગ કરી શકે, એકબીજાના અનુભવોમાંથી શીખી શકે અને પોતાના વ્યવસાયને નવી દિશા આપી શકે.
મુખ્ય અતિથિ સુપ્રિમ કોર્ટના વકીલ સુશ્રી નુપુર શર્માએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતમાં સૌથી વધારે સુરક્ષા અને શાંતિ છે. તમે કોઇ પણ ક્ષેત્રમાં હોવ પણ સુરતમાં, ગુજરાતમાં અને ભારતમાં તમે સુરક્ષિત છો. જો તમે સુરક્ષિત નહીં હોવ અને તમારા જીવનમાં શાંતિ નહીં હોય તો તમે સમૃદ્ધ કયારેય નહીં બની શકો, આથી સૌથી મહત્વની બાબત એ સુરક્ષા છે. વિશ્વભરમાં જે રીતની પરિસ્થિતિનું સર્જન થયું છે તે બાબતથી સુરક્ષાની બાબત સમજી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, મહિલા સાહસિકો માટે ભારત સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ લઇને મહિલાઓ હજી વધુ સશકત અને આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓ પોતાનામાં જ શકિત છે, માત્ર તેને સમજવાની જરૂર છે. મહિલાઓએ પોતાના હક્કો અને ક્ષમતાઓ અંગે સજાગ રહેવું અત્યંત જરૂરી છે. સફળતા માટે આત્મવિશ્વાસ, સતત પ્રયત્ન અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, તમે સમૃદ્ધ થશો તો સમાજ અને દેશ આપોઆપ સમૃદ્ધ થઇ જશે. ભારતમાં મહિલાઓ વિકસિત અને સુરક્ષિત છે. સુશ્રી નુપુર શર્માએ વધુમાં કહ્યું કે, સુરતમાં આવ્યા બાદ હું જેટલી પણ મહિલા સાહસિકોને મળી તેમનાથી મને એક બાબત શીખવા મળી કે અહીં દરેક મહિલા અન્ય મહિલાની સફળતાથી આનંદિત થાય છે. બીજાની સફળતામાં સહભાગી થવાનો અને આનંદિત થવાનો વિચાર જ સમાજને અને દેશને આગળ લઇ જાય છે. તેમણે મહિલાઓને પોતાના સપનાઓને સાકાર કરવા માટે નિર્ભય બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યું હતું. વકતા તરીકે સુશ્રી રાજલ સી.એ જણાવ્યું હતું કે, શરૂઆતમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ યોગ્ય આયોજન, દૃઢ નિશ્ચય અને સતત શીખવાની વૃત્તિથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે. વધુમાં તેમણે મહિલા ઉદ્યોગ સાહસિકોને ફાઇનાન્સ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં માર્ગદર્શન આપ્યું હતું, જેથી તેઓ પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવી શકે.
વકતા તરીકે ડર્મેટોલોજિસ્ટ એન્ડ એસ્થેટિક એક્ષ્પર્ટ ડો. આંચલ પંથે મહિલાઓને પર્સનલ બ્રાન્ડિંગ અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાની ઓળખ ઉભી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે.વકતા તરીકે ઇન્ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ ડો. શુભ્રા પાંડેએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે સારું આરોગ્ય જ સફળતાનો આધાર છે. તેમણે કાર્ય અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવાના મહત્વ પર પણ ભાર મૂકયો હતો. ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન સુશ્રી અંકિતા વાલંદે જણાવ્યું હતું કે, 'બ્રેકિંગ બેરિયર્સ એન્ડ એમ્બ્રેસિંગ સ્ટ્રેન્થ' થીમ હેઠળ આયોજિત કોન્કલેવ મહિલાઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરિત કરતો મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હતો. તેમણે વુમન આંત્રપ્રિન્યોર સેલની પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી હતી. ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ કોન્કલેવમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ગૃપ ચેરમેન શ્રી શૈલેષ દેસાઇ, ઓલ કોન્કલેવ ચેરમેન શ્રી અતુલ પટેલ, સુરત પોલીસ કમિશ્નરના પત્ની શ્રીમતી સંધ્યાબેન ગહલૌત, ડો. બંદના ભટ્ટાચાર્ય અને મહિલા સાહસિકો કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના વુમન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સુશ્રી કૃતિકા શાહે શ્રી નુપુર શર્માનો પરિચય કરાવ્યો હતો. એડવાઇઝર સુશ્રી સ્વાતિ શેઠવાલા તથા કો–ચેરપર્સન સુશ્રી રોશની ટેલર અને સુશ્રી ધરા શાહે વકતાઓના પરિચય આપ્યા હતા. કો–ચેરપર્સન સુશ્રી બીના ભગતે કન્કલુડિંગ રિમાર્કસ આપ્યા હતા. રેડીયો જોકી શ્રેયાએ વુમન આંત્રપ્રિન્યોરશિપ કોન્કલેવનું સંચાલન કર્યું હતું. કોન્કલેવ દરમિયાન પેનલ ડિસ્કશન, ઇન્ટરેકિટવ સેશન્સ અને નેટવર્કિંગની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જેમાં મહિલા સાહસિકોએ સક્રિયપણે ભાગ લીધો હતો.
• Share •