સુરત- વર્તમાન ન્યૂઝ.કોમ
યુદ્ધ અને ગેસની અછતના કારણે હિજરત કરી ગયેલા અઢી લાખ શ્રમિકોને પરત બોલાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) અને ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) એ મોટી જાહેરાત કરી છે. ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે, જે શ્રમિકો પાસે પરત આવવા માટે સાધનો નથી, તેમને લાવવા માટે ઉદ્યોગ પોતે પરિવહનની વ્યવસ્થા કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા હતા, જેની સીધી અસર સુરતના પ્રોસેસિંગ અને વિવિંગ ઉદ્યોગ પર પડી હતી. પરંતુ હાલમાં મળેલા અહેવાલો મુજબ, બંને દેશો શાંતિ મંત્રણા માટે ટેબલ પર આવવા તૈયાર થયા છે અને 15 દિવસનું સીઝફાયર જાહેર કરવામાં આવ્યું છે. આ સમાચારને પગલે ક્રૂડના ભાવમાં પણ બેરલ દીઠ 15 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. પરિણામે, જે ટેક્સટાઇલ યુનિટ્સમાં ઉત્પાદન પર કાપ મૂકવામાં આવ્યો હતો, ત્યાં હવે ફરીથી પૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે.
ઘણા શ્રમિકો આર્થિક ભીંસ અથવા પરિવહનની સુવિધાના અભાવે વતનમાં અટવાયા હોય છે. આ અંગે FOGWAના પ્રમુખ અશોક જીરાવાલાએ સ્પષ્ટતા કરી છે કે, જે શ્રમિકો પાસે સુરત આવવા માટે પૂરતા સાધનો નથી, તેમને લાવવા માટે ઉદ્યોગકારો પરિવહનની વ્યવસ્થા કરવા પણ તત્પર છે. જેવી રીતે કોવિડના કપરા કાળમાં ઉદ્યોગોએ પોતાના ખર્ચે શ્રમિકોને સુરત લાવવાની વ્યવસ્થા કરી હતી, તેવી જ રીતે અત્યારે પણ જો કોઈ શ્રમિકોને મુશ્કેલી હશે, તો તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે ખાનગી બસો કે અન્ય સાધનોની વ્યવસ્થા કરી આપવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગ આવેલી આ સ્થિતિના કારણે અંદાજે 2,50,000 જેટલા શ્રમિકો પોતાના વતનમાં ચાલ્યા ગયા હતા. હવે જ્યારે યાર્નના ભાવમાં સ્થિરતા આવી રહી છે અને પ્રોડક્શન કાપ પાછો ખેંચાઈ રહ્યો છે, ત્યારે શ્રમિકોની ખોટ વર્તાઈ રહી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે શ્રમિકો અમારા પરિવારના સભ્ય અને દીકરા સમાન છે. તેમના વગર મશીનો ચલાવવા શક્ય નથી, તેથી તેઓ વહેલી તકે પરત ફરે તેવી અપીલ કરવામાં આવી રહી છે. ફેક્ટરીઓના માલિકો અત્યારે પોતાના વિશ્વાસુ કારીગરોને ફોન કરીને પરિસ્થિતિ થાળે પડી હોવાની જાણકારી આપી રહ્યા છે.
• Share •