Page Views: 14455

સુરતમાં શાખા ધરાવતી મુંબઈની ન્યુ ઈન્ડીયા કોપ. બેન્ક ‘કાચી’ પડી : રૂા.2400 કરોડ ફસાયા

સુરત સહિતની શાખાઓમાં થાપણદારોનો ધસારો : અનેક પરિવારોની મરણ મૂડી - ઘરની લોનના હપ્તાના નાણા માટે દોડાદોડ

મુંબઈ: વર્તમાન ન્યૂઝ.કોમ

મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં સુરત સહિત શાખા ધરાવતી મુંબઈ સ્થિત ન્યુ ઈન્ડીયા કોઓપરેટીવ બેન્કના કામકાજ પર અને નાણા ઉપાડવા પર પ્રતિબંધ મુકી દેતા અહી બચત ખાતા તથા થાપણ ધરાવતા હજારો પરિવારોએ તેમના નાણાની સલામતી માટે શાખાઓ પર દોટ મુકી હતી. અનેકને આજે જ જરૂરી હોય તેવા નાણા પણ નહી મળતા લોકો ચૌધાર આંસુએ રોતા નજરે પડયા હતા. આ બેન્કની સુરતમાં શાખા છે. બેન્કની નાણાકીય હાલત નબળી પડતા રિઝર્વ બેન્કે રાતોરાત આ બેન્કને નવી લોન આપવા સામે રોક લગાવી છે અને બેન્કમા જમા નાણા પણ હાલ નહી ઉપાડી શકાય તેવુ જાહેર થતા જ હજારો થાપણદારોમાં જબરો દેકારો મચી ગયો હતો. રિઝર્વ બેન્કે આ સહકારી બેન્ક પાસે રોકડ નાણા નહી હોવાની તાત્કાલીક આ પ્રતિબંધ લાદી દીધો હતો. જેના કારણે થાપણદારોના નાણા ફસાઈ ગયા હતા. હજુ ગઈકાલ સુધી બેન્કનું કામકાજ ચાલુ હતુ અને અનેક લોકોએ નાણા પણ જમા કરાવ્યા હતા પણ સવારે જ તાળા લાગવા જેવી સ્થિતિ બની હતી. બેન્કમાં રૂ.2436 કરોડની થાપણો છે અને 1175 કરોડનું ધિરાણ છે છતાં પણ તેના ગેરવહીવટના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.