Page Views: 10375

સતાધાર ધામની 14.47 લાખ વાર જમીન વિજયભગત પોતાના નામે કરીને હડપ કરવા માંગે છે : નરેન્દ્રબાપુનો આરોપ

ભકતો દ્વારા કરાતી અરજી, ફરિયાદોની તટસ્થ અને ન્યાયિક તપાસ કરવા તંત્ર પાસે માંગણી

રાજકોટ- વર્તમાન ન્યૂઝ.કોમ

સતાધારની પવિત્ર જગ્યા પર કબ્જા મામલે ચોટીલા આપાગીગાની જગ્યાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ  લડત ચાલુ રાખી છે. આ જગ્યાના વિવાદો શાંત થાય તે માટે લાખ પ્રયાસો છતાં કોઇ રસ્તો નીકળતો નથી ત્યારે નરેન્દ્ર બાપુ દ્વારા જગ્યાના મહંત વિજયભગત સામે એક ચક્રીય શાસન ભોગવવા અને આ માટે કાવાદાવા કરાતા હોવાના  આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓએ મીડિયા સમક્ષ સતાધાર ધામની 14.47 લાખ ચો.વાર જેટલી જમીનના રેકર્ડમાં  વિજયભગતે પોતાનું નામ ચડાવવા પ્રયાસ કર્યાનો દસ્તાવેજો સાથે ખુલાસો કર્યો છે. નરેન્દ્રબાપુએ એક લેખિત નિવેદનમાં મીડિયા સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ જગ્યામાં વિવાદો અને પવિત્રતાને નુકસાન કરતી પ્રવૃત્તિ બંધ કરવા તેમના ઉપરાંત ઘણા સંતો-મહંતો અને સેવકોએ પ્રયાસો કર્યા હતા. પરંતુ  આ જગ્યામાં અવાજ ઉઠાવનારા અનેક સાધુ તથા સેવકોને માર મારીને બહાર કાઢી મુકવામાં આવે છે. હવે સતાધાર ધામની અમુક ખેતીની જમીન આશરે કુલ ચો.વાર 1447પ33 જેટલી જગ્યામાં પોતાનું નામ વ્યકિતગત રીતે ચડાવવા માટે અને વિસાવદર મામલતદાર ઓફિસમાં અલગ અલગ સોગંદનામા કરીને નામ ચડાવવા વિજયભગતે રજુઆતો કરી હતી. પરંતુ આપાગીગાના આશિર્વાદથી આ જમીનો કે જે શ્રી સતાધાર ગૌશાળા ટ્રસ્ટના નામે આવેલી છે તે પોતાના નામે થઇ શકે તેમ કાયદાએ સ્પષ્ટ અભિપ્રાય આપતા આ તમામ નોંધો વિસાવદરના જે તે સમયના અધિકારીઓ દ્વારા નામંજુર કરવામાં આવેલ છે. આ તમામ રેકર્ડ તેમની પાસે ઉપલબ્ધ છે.

સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ચેરીટી ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ વગેરે અધિકારીઓ તથા કોઇ રાજકીય પાર્ટીના આગેવાનો, સમગ્ર અખાડાના અધિકારીઓ, પદાધિકારીઓ, દેહાણ જગ્યાના મહંતો, સમગ્ર સંતગણ અને જગ્યા સાથે જોડાયેલા સેવકોને નરેન્દ્રબાપુએ અપીલ કરી છે કે હાલમાં ચાલતો સત્તાધાર ધામની જગ્યાનો જે પ્રશ્ર્ન છે તે લાખોની આસ્થા સાથે જોડાયેલો છે. ગરીબ, રોગી, ફકીર, અપંગ લોકોથી માંડી માલઢોરને લાગતો વળગતો પ્રશ્ર્ન છે. માટે સમગ્ર વિષયની તપાસ કર્યા બાદ જ તેમાં રસ લેવો જોઇએ. ખોટા રસ્તે વિજયભગતને બચાવવાની કોશીશ કરવાની જરૂર નથી. લોકો દ્વારા કોઇપણ પ્રકારની અરજીઓ, ફરિયાદ કરવામાં આવે તો તટસ્થ અને ન્યાયિક તપાસ કરવી જોઇએ. સરકાર દ્વારા પણ સતાધારના સત્યને બહાર લાવવા માટે ઉપરોકત દરેક અધિકારીઓને સૂચના આપવી જોઇએ. તેનાથી દુધનું દુધ અને પાણીનું પાણી થઇ જશે. વિજયભગતને કોઇપણ પ્રકારનું રાજકીય કે સામાજીક રક્ષણ મળવું ન જોઇએ. જગ્યાના રેકર્ડ અંગે નરેન્દ્ર બાપુએ જણાવ્યું છે કે આ જગ્યામાં વધુમાં વધુ 7 ટ્રસ્ટી રહી શકે તેવી ચેરીટી કમિશનરના રેકર્ડમાં નોંધ છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે અનુગામી ટ્રસ્ટી અને મેનેજર તરીકે નિમણુંક પામનાર વ્યકિત ફકકડ હોવા જોઇએ. જગ્યામાં સેવા કરતા લોકોની ટ્રસ્ટી તરીકે નિમણુંક કરવાની હોય છે. આ જગ્યાના શુભચિંતકો, સારા  સુપાત્ર, લાયક અને ટ્રસ્ટની પ્રવૃતિઓમાં રસ ધરાવનારને સામેલ કરી શકાય છે. આ આપાગીગાની જગ્યાના ટ્રસ્ટમાં સેવા અને સદાવ્રતનો હેતુ છે. ગરીબો, સાધુ સંતોની સેવા કરવી, સારવાર કેન્દ્રો ચલાવવા અથવા તેમાં જરૂરી મદદ કરવી, ગૌસેવાના કામ કરવાનો જ હેતુ રહેલો છે. નરેન્દ્રબાપુએ વિસાવદર ડિસ્ટ્રીકટ કોર્ટ, ચેરીટી કમિશનર કચેરીમાંથી જમીનને લગતુ તમામ સાહિત્ય કઢાવ્યું છે. તેના આધારે કાનુની સ્પષ્ટતાઓ કરવા પણ પડકાર ફેંકયો છે. વિજયભગતે ખાતેદાર થવા ભાયુભાગની જમીન રાખેલી છે.  આ રસ્તે તેઓ પૂરી જમીન પોતાના હાથમાં લઇ લેવા માંગતા હોવાનો આરોપ નરેન્દ્રબાપુએ મુકયો છે. નરેન્દ્રબાપુએ વધુમાં જણાવ્યું છે કે સતાધારની જગ્યાનું કયારેય અહિત થઇ શકે નહીં. સતાધારની જગ્યા બચેલી જ છે, બચવાનું હવે વિજયભગતે છે. અમારે આ જગ્યા ભુતકાળમાં પણ જોઇતી ન હતી અને ભવિષ્યમાં પણ જોઇતી નથી. આમ છતાં સતાધારની જગ્યા પડાવવાના પ્રયાસોથી સતાધાર ધામની જગ્યા બદનામ થઇ રહી છે. ફકડની જગ્યામાં સ્ત્રી પાત્રના નામ ઉછળતા ધાર્મિક આસ્થાને ઠેસ લાગી રહી છે. કોઇપણ ધાર્મિક જગ્યાની, પરંપરાની વાત આવે ત્યારે કયારેય કોઇ પણ જગ્યાએ મહંત અગત્યના હોતા નથી, પરંતુ જગ્યાની પરંપરાઓ અને જગ્યાની સમાધીઓ જ અગત્યની હોય છે. કોરોના કાળમાં સરકારને થયેલા અનુભવ અંગે ડેપ્યુટી કલેકટર પણ વાકેફ છે.