Page Views: 9134

રૂ.2.92 કરોડના છેતરપિંડી કેસમાં કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ચેરમેન કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે ખોટા પાવરના આધારે પ્રોપર્ટી પર લોન લઇ છેતરપિંડી આચરી હોવાનો આરોપ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતના અઠવાલાઇન્સમાં આવેલી કરોડોની જમીનનો બોગસ પાવર બનાવી તેના આધારે મોર્ગેજ લોન લઇને રૂ.67 લાખ બેંકમાં નહી ભરી છેતરપિંડી કરવાના ગુનામાં લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમના ઇન્ચાર્ઝ પ્રેસિડન્ટ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. અગાઉ આ આગોતરા જામીન અરજીના  વિરોધમાં પોલીસે કોર્ટમાં એફિડેવીટ રજૂ કરી હતી.સુરતના અઠવાલાઇન્સ ગોકુલ ડેરી નજીક આવેલી આદર્શ સોસાયટીમાં રહેતા 64 વર્ષીય નયનાબેન હેમંતભાઈ કોન્ટ્રાક્ટરે સુરત ઇકોસેલમાં  તેમના જેઠ ભરથાણા કેપિટલ ગ્રીન ખાતે રહેતા અને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

હેમંતભાઈ કોન્ટ્રાક્ટર, કનૈયાલાલ, હંસાબેન લાલભાઈ, જ્યોતિબેન કોન્ટ્રાક્ટર, કુસુમબેન કોન્ટ્રાક્ટર, અને ડાહીબેન કોન્ટ્રાક્ટર એ વર્ષ 1981માં કનૈયા કન્સ્ટ્રક્શન નામથી કંપની શરૂ કરી હતી. કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે હેમંતભાઈ અને નયનાબેન કોન્ટ્રાક્ટર ના નામ ની બોગસ સહીઓ કરી તથા ફોટાઓ ચોંટાડી જનરલ પાવર ઓફ એટર્નીના બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવી બજાજ ફાઇનાન્સ કંપનીમાં રજુ કરી મોર્ગેજ લોન પેટે રૂ.2.92 કરોડ મેળવી લીધા હતા. જે પૈકીના રૂ.67લાખ ના હપ્તા નહીં ભરી આરોપી કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે છેતરપિંડી કરી હતી. પતિ-પત્ની દેશમાં નહોતા છતાં તેમની ખોટી સહી કરી પાવર ઓફ એટર્નીનો દસ્તાવેજ નોટરી પંકજ દેસાઇએ કરી આપ્યો છે. ફરિયાદી પતિ પત્ની દેશમાં હાજર ન હોવા છતાં તેમની ખોટી સહીં કરવામાં આવી છે.આ પાવર ક્યાં છે તેની પુછપરછ કરવાની છે. સહીં કરનાર કોણ છે.તેની તપાસ કરવાની છે.  આરોપીના આગોતરા જામીન નહીં આપવા માટેની માંગ  પોલીસ દ્વારા કરવામાં  આવી હતી. કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને આગોતરા જામીન આપવા સામે મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા પણ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. કોર્ટે રેકોર્ડ પરના પૂરાવાઓને ધ્યાનમાં લઇ અ્ને કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.