સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુક્લ સહિતના પ્રતિનિધિ મંડળે તા. ર૬ નવેમ્બર, ર૦ર૪ના રોજ શ્રીલંકામાં કોલમ્બોની હોટેલ કીંગ્સબરી ખાતે ‘વોયેજ શ્રીલંકા ર૦ર૪’માં ભાગ લઇ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીલંકાના કોમર્સ મિનિસ્ટર શ્રી વસંથા સમરસિંઘે, શ્રી મંગલા વિજેસિંઘે (ચેરમેન એન્ડ સીઇઓ/ઇડીબી, શ્રીલંકા), વાઇસ એડમાઇરલ શ્રી અનિલ કુમાર ચાવડા (રિટાયર્ડ, PVSM, AVSM, NM, VSM, PhD, India), શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટીના ચેરમેન એડમાઇરલ સિરીમેવાન રાણાસિંઘે (રિટાયર્ડ, WWW, RWP, VSV, USP), શ્રીલંકાની ચેમ્બર ઓફ મરીન ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી કૌશલ રાજપક્ષ સહિત ૩૦થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને શ્રીલંકન સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌ પ્રથમ વિવિધ દેશો વચ્ચે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીને વિકસાવવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં સહકારના સંભવિત પ્રોજેકટસ પર ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા થઇ હતી. વિવિધ દેશોના વેપાર – ઉદ્યોગને વિકસાવવા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ઇનોવેશન, નોલેજ શેરીંગ, સ્કીલ ડેવલપમેન્ટ અને પરસ્પર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ દેશો વચ્ચેના જોડાણોને મજબૂત કરવાની દિશામાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળની શ્રીલંકા ખાતેની મુલાકાત, વૈશ્વિક ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિને વિસ્તૃત કરવા માટેના સકારાત્મક અભિગમને દર્શાવે છે. શ્રીલંકા સહિત વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય સ્ટેક હોલ્ડરોની સાથે જોડાઇને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દક્ષિણ ગુજરાત જ નહીં પણ ભારતીય અર્થતંત્રને મજબૂત કરવા માટે નવી વ્યાવસાયિક તકો ઉભી કરવા માટેના સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહયા છે. વૈશ્વિક ભાગીદારો સાથે ઊંડા સંબંધો સ્થાપિત કરીને, અમે મજબૂત આર્થિક વિનિમય અને સાંસ્કૃતિક સહયોગ માટે પ્રયાસ કરી રહયા છીએ, જે વિશ્વના તમામ દેશો માટે લાભદાયી સાબિત થશે. ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, આ મિટીંગમાં થયેલી ચર્ચા – વિચારણાને અમલમાં લાવવા હેતુ આગામી દિવસોમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરત ખાતે ફોલોઅપ મિટીંગોનું આયોજન કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સનો આ અભિગમ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને આંતરરાષ્ટ્રીય વેપાર અને પર્યટન માટે એક વિકસિત હબ તરીકે સ્થાન આપવાનો છે. ચેમ્બરની આ સક્રિયતા દક્ષિણ ગુજરાતના વેપાર – ઉદ્યોગને વૈશ્વિક સ્તરે લઇ જવા માટેની પરસ્પર ભાગીદારીને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનો પ્રયાસ બની રહેશે.
• Share •