સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને એસએમઇ આઇપીઓ લાવવા માટે પ્રેરિત કરવાના હેતુથી ફોર બ્રિજ કેપિટલ અને થ્રીડિમેન્શન કેપિટલ સર્વિસિસ લિમિટેડની સાથે મળીને શુક્રવાર, તા. ર૭ સપ્ટેમ્બર ર૦ર૪ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘એસએમઇ આઇપીઓ એન્ડ ફાયનાન્શીયલ એડવાઇઝરી સર્વિસિસ’વિષય પર સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ફોર બ્રિજ કેપિટલના પાર્ટનરો શ્રી મુનિર અજાની, શ્રી ડેનીશ શાહ અને CA/CS આયુષી હંસારીયા તથા થ્રીડિમેન્શન કેપિટલ સર્વિસિસ લિમિટેડના ચેરમેન એડવોકેટ શ્રી પંકજ ખેતાન અને વિવેક સંજય એન્ડ કંપનીના પાર્ટનર CA સંજય જૈને સુરતના ઉદ્યોગકારોને બિઝનેસના ગ્રોથ તથા તેના એક્ષ્પાન્શન માટે જરૂરી એસએમઇ આઇપીઓ લાવવાની દિશામાં વિસ્તૃત જાણકારી આપી હતી. નિષ્ણાંતોએ રોકાણકારોને પણ કયા પ્રકારની કંપનીના શેરમાં રોકાણ કરવું જોઇએ તેની સેકટર વાઇઝ માહિતી આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, SME IPO બિઝનેસના ગ્રોથ અને એના એક્ષ્પાન્શન માટે નાણાં એકત્રિત કરવાની તક આપે છે, તેમજ બજારમાં તેમની વિશ્વસનીયતા વધારવામાં પણ મદદ કરે છે, જેનાથી નાના ઉદ્યોગો માટે કેપિટલ બજાર સુધી પહોંચવું સરળ બને છે. ભારતમાં SME IPO ક્ષેત્રમાં ઘણી વૃદ્ધિ જોવા મળી રહી છે, જેમાં ગુજરાતનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહયું છે. દક્ષિણ ગુજરાત, ભારતમાં MSMEનું હબ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ SME IPO ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. ઉદ્યોગકારો સરળતાથી માર્કેટમાંથી કેપિટલ મેળવી શકે તે માટે સરકાર એસએમઇ આઇપીઓ લઇને આવી છે ત્યારે તેમણે સુરતના ઉદ્યોગકારોને આઇપીઓ લાવવા માટે અનુરોધ કર્યો હતો. શ્રી ડેનીશ શાહે જણાવ્યું હતું કે, વર્ષ ર૦ર૦માં SME IPO લાવનાર કંપનીઓની સંખ્યા ર૭ હતી, જે વર્ષ ર૦ર૧માં પ૯ થઇ હતી. વર્ષ ર૦રરમાં આ સંખ્યા ૧૦૯ થઇ હતી અને વર્ષ ર૦ર૩માં ૧૮ર સુધી પહોંચી હતી. વર્ષ ર૦ર૪માં છ મહિનામાં જ SME IPO લાવનાર કંપનીઓની સંખ્યા ર૦૦ સુધી પહોંચી ગઇ છે. આ છ મહિનામાં આ કંપનીઓએ અત્યાર સુધી માર્કેટમાંથી રૂપિયા પ૦૦૦ કરોડ કેપિટલ તરીકે રેઇઝ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ૬.પ કરોડ સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ રજિસ્ટર્ડ થઇ છે અને તેઓ ભારતના જીડીપીમાં ર૯ ટકા યોગદાન આપી રહી છે.
CA સંજય જૈને ઉદ્યોગકારોને જણાવ્યું હતું કે, આઇપીઓ લાવવા માટે સૌથી પહેલી જરૂરિયાત લિમિટેડ કંપનીની હોય છે. લિમિટેડ કંપની જ આઇપીઓ લાવી શકે છે અને એના માટે આ કંપનીની નેટ એસેટ વેલ્યુ રૂપિયા ૧ કરોડ અને નેટવર્થ રૂપિયા ૧ કરોડ હોવી જોઇએ. આ કંપની પાસે છેલ્લાં ત્રણ વર્ષના પ્રોફીટેબલ ટ્રેક રેકોર્ડ હોવા જોઇએ. આ કંપનીને આઇપીઓ લાવવા પહેલા તેના શેરને ડિમેટ ફોર્મેટમાં કન્વર્ટ કરી સિકયુરિટી મૂકવી પડે છે. આ કંપનીનું બોર્ડ પણ જૂનું હોવું જોઇએ. આ બોર્ડના ડિરેકટરોમાંથી ૧/૩ ડિરેકટરોને ઇન્ડીપેન્ડન્ટ ડિરેકટર બનાવવા પડે છે. CA/CS આયુષી હંસારીયાએ ઉદ્યોગકારોને એસએમઇ આઇપીઓ લાવવા માટે જરૂરી કોમ્પ્લાયન્સ વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આઇપીઓ લાવતા પહેલા કંપનીનું ફાયનાન્શીયલ એન્ડ પરફોર્મન્સ તથા તેનું વિઝન અને વેલ્યુએશન જોવામાં આવે છે. કંપનીને આઇપીઓ માટે રેડી કર્યા બાદ મર્ચન્ટ બેંકર નિમવામાં આવે છે. પછી સેક્રેટરીયલ, લીગલ, બિઝનેસ એન્ડ ફાયનાન્શીયલ, ડયુ ડિલીજન્સને ધ્યાને લેવામાં આવે છે. તેમણે ઉદ્યોગકારોને કહયું હતું કે, બિઝનેસને મોટો કરવા માટે ઉદ્યોગકારોએ એસએમઇ આઇપીઓ લાવવો જોઇએ. એડવોકેટ શ્રી પંકજ ખેતાને જણાવ્યું હતું કે, આઇપીઓ ઇશ્યુ માટે મર્ચન્ટ બેંકર એપોઇન્ટ કરવા પડે છે. રૂપિયા રપ કરોડની ઉપર પેઇડ અપ કેપિટલ નહિં હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે. બોર્ડના ડિરેકટરો પર કોઇ ફોજદારી કેસ ન હોવો જોઇએ, સાથે જ તેમની કોઇ લોન પેન્ડીંગ નથી વિગેરે બાબતો તપાસવામાં આવે છે. આઇપીઓ લાવવા માટે બધા જ કોમ્પ્લાયન્સ પૂરા થવા જોઇએ. ટેકનિકલી બધી જ રીતે કમ્પાઉન્ડીંગ બાદ પ્રોસ્પેકટીવ ફાઇલ કરવું જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહયું હતું કે, ગુજરાતમાં એસએમઇ ઇકો સિસ્ટમ ડેવલપ થઇ રહી છે. ભારતમાં એસએમઇ આઇપીઓ લાવનાર કંપનીઓમાંથી ર૪ ટકા કંપનીઓ ગુજરાતની છે. ગુજરાતની આ કંપનીઓમાં ૧૮ ટકા કંપનીઓ સુરતની છે. શ્રી મુનીર અજાનીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગકારો બિઝનેસના એક્ષ્પાન્શન માટે લોન લઇને બિઝનેસ ચલાવે છે. કયારેક નુકસાનની ભરપાઇ માટે બીજી લોન લઇને એક લોન ચૂકવે છે અને એમાં જ એમનું જીવન પૂરુ થઇ જતું હોય છે ત્યારે ઉદ્યોગકારો આઇપીઓ લાવીને વ્યાજ વગરની કેપિટલ રેઇઝ કરીને બિઝનેસનો ફેલાવો કરી શકે છે. વધુમાં તેમણે કહયું કે મેન્યુફેકચરીંગ, ટ્રેડીંગ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી આઇપીઓ લાવી શકે છે. બિઝનેસના એક્ષ્પાન્શન માટે આઇપીઓ જરૂરી છે. ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગકારો અને રોકાણકારોનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા અને માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ તથા ઉદ્યોગકારો, વેપારીઓ અને રોકાણકારો સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી કમલેશ ગજેરાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ચેમ્બરની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ કમિટીના કો–ચેરમેન ડો. રાકેશ દોશીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. નિષ્ણાંત વકતાઓએ ઉપસ્થિત સુરતના ઉદ્યોગકારો, વેપારીઓ અને રોકાણકારોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.
• Share •