Page Views: 11430

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ અને રૂ.4.71 લાખ વળતર ચુકવી આપવા હુકમ

આરોપીએ ઓફીસના વકરાની રકમ બારોબાર વાપરી નાખી હતી

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સુરતમાં કોર્ટે ચેક રીટર્નનાં કેસમાં ભાવનગરના હિરેન મહેતાને એક વર્ષની સજા ફટકારી છે. સાથે ચેકની રકમ રૂ. 4.71 લાખ વળતર તરીકે ફરિયાદીને ચૂકવી આપવા પણ કોર્ટે હુકમ કર્યો છે. 

અડાજણ-પાલના સિધ્ધશિલા રેસીડેન્સી ખાતે રહેતા રાધેશ્યામ ત્રિવેદી ટુર્સ એન્ડ ટ્રાવેલસના કામકાજ સાથે સંકળાયેલા છે. તેમની ઓફિસમાં આરોપી હિરેન યોગેશભાઈ મહેતા (રહે. મેઈન બજાર, મોણપર, તા. મહુવા, જિ. ભાવનગર) બુકિંગ કલેક્શનનુ કામ કરતો હતો. આરોપીએ વર્ષ 2019ના અરસામાં બુકિંગ કલેક્શનના નાણા અંગત કામમાં વાપરી ઉચાપત કરી હતી. દરમિયાન આરોપીએ નાણાં પરત આપવાની જવાબદારી સ્વીકારી રૂ. 4,71,000નો સમાધાન કરાર લખી આપ્યો હતો અને તેટલી જ રકમનો ચેક પણ આપ્યો હતો.  જે ચેક રીટર્ન થતા ફરિયાદીએ એડવોકેટ અશ્વિન જે. જોગડિયા મરફતે નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ નોટિસ આપી અત્રેની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ટ્રાયલ દરમિયાન બચાવપક્ષે એવી દલીલ કરી હતી કે, ફરિયાદપક્ષે રજૂ કરેલો હસ્ત લિખિત કરાર નોટરાઇઝ્ડ થયેલો નથી, જેથી તેને પુરાવામાં ગ્રાહ્ય રાખી શકાય નહીં. બીજી બાજુ ફરિયાદ પક્ષે એડવોકેટ જોગડિયાએ દલીલ કરી હતી કે, કરાર ઉપરાંત ચેકમાં પણ આરોપીની સહી છે અને નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-20 મુજબ ચેક પર સહિત હોય તો કાયદેસરની જવાબદારી પેટે ચેક આપેલ છે, તેવુ માની લેવાનુ હોય છે.  બંને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 4.71 લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો. વળતર ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. વધુમાં કોર્ટે ચૂકાદામાં ટાક્યુ હતું કે, કરાર જોવામાં આવે તો તે કરારમાં બે સાક્ષીની સહી છે તે બંને સાક્ષીઓને આરોપીપક્ષે કોર્ટમાં સોગંદ પર તપાસેલ નથી, તે સંજોગોમાં કરારમાં જણાવેલ વિગતો સાચી હોવાનું માની શકાય તેમ છે. તે સંજોગોમાં કરાર નોટરાઇઝ્ડ ન હોવાની તકરાર ગ્રાહ્ય રાખવાપાત્ર નથી.