Page Views: 6569

અદાણી ફાઉન્ડેશન અને બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ

ઉમરપાડાના સખી મંડળની આદિવાસી બહેનોને નિઃશુલ્ક બિયારણનું વિતરણ -અદાણી ફાઉન્ડેશન દ્વારા વર્ષના અંત સુધી ઉમરપાડામા ૨૦૦૦ કિચન ગાર્ડન તૈયાર કરાશે

સુરત : વર્તમાન ન્યૂઝ.કોમ

સુરતના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાના સખી મંડળની આદિવાસી બહેનોને  ઘર આંગણે ગુણવત્તાસભર શાકભાજી વાવવા માટે એક તાલીમ શિબિર અદાણી ફાઉન્ડેશન દ્વારા નાયબ બાગાયત નિયામકની કચેરીના સહયોગથી યોજાઇ હતી. અંતરિયાળ વિસ્તારની બહેનો ઘર આંગણે શાકભાજી વાવણી તરફ વળે, રસાયણિક ખાતરના ઉપયોગ વિના સારી ગુણવત્તાવાળી શાકભાજી પકવે અને અંગત ઉપયોગ માટેની શાકભાજીનો ખર્ચ ઘટે એ માટે નાયબ બાગાયત નિયામકની કચેરી અને અદાણી ફાઉન્ડેશન હજીરા સાથે મળી ઘરના વાડામાં શાકભાજીની વાવણી અને સાથે બિયારણ વિશેની માહિતી આપવાની સતહ ૧૩ પ્રકારના બિયારણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. 

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ ખાતે શાકભાજી વાવણી અંગેના વિવિધ મુદ્દાઓને આવરી લઈને એક તાલીમ યોજાઇ હતી. જેમાં ઉમરપાડા તાલુકા બાગાયત અધિકારી  હિરલબેન ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરખાડી પંચાયત ડેપ્યુટી સરપંચ રમણભાઈ વસાવા, વિજયભાઈ, કરમસિંગભાઈ સાથે ગામના ખેડૂતો અદાણી ફાઉન્ડેશન, હજીરાની ટીમ અને સખી મંડળની ૫૦  બહેનો હાજર રહ્યા હતા. શાકભાજી વાવણી અને માવજત સાથે  બાગાયત વિભાગની વિવિધ સરકારી યોજના વિષે માર્ગદર્શન અપાયું હતું. બહેનોને નિદર્શન સાથે વાવણી વખતે ધ્યાને રાખવાના મુદા જેવા કે જમીનની તૈયારી, સારા બિયારણની પસંદગી, બિયારણને પટ આપવો, શાકભાજી ધરું બનાવવું, એક ક્યારાં થી બીજા ક્યારાં વચ્ચે અંતર જેવી બાબતોની માહિતી બહેનોને આપવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ ના અંત સુધી કુલ ૨૦૦૦ જેટલા બહેનોને તેમના વાડામાં શાકભાજીની વાવણી અને બિયારણ વિતરણનું આયોજન છે.