સુરતઃ વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત યોગા એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા. ૦૪ ઓગષ્ટ ર૦ર૪ના રોજ સવારે ૦૯:૩૦ થી સાંજે ૪:૦૦ કલાક સુધી સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘યોગા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ યોગા મહોત્સવમાં સર્વેને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર, વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા, મનુષ્ય અને પ્રકૃતિ મધ્યેની સંવાદિતા તથા આરોગ્ય અને સુખાકારી તરફ એક સકલ્યવાદી અભિગમનો સમાવેશ થાય છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૭મી સપ્ટેમ્બર ર૦૧૪ના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે વિશ્વ સમુદાયને એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરી હતી. જેને પગલે આખા વિશ્વએ યોગને અપનાવ્યો છે.
યોગા મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી ગાયત્રી જરીવાલા, સુરત મહાનગરપાલિકાની સોશિયલ વેલ્ફેર, એન્ટરટેઇનમેન્ટ એન્ડ કલ્ચરલ કમિટીના ચેરપર્સન શ્રીમતી સોનલ દેસાઇ, સુરત યોગા એસોસીએશનના પ્રમુખ શ્રી ગોપાલ ડોન, સુરત યોગા ટીચર્સ એસોસીએશનના પ્રમુખ સુશ્રી પ્રિયંકા પટેલ તથા ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી શ્રી મૃણાલ શુકલ, ગૃપ ચેરમેનો શ્રી દીપક કુમાર શેઠવાલા અને શ્રી મયંક દેસાઇ, ચેમ્બરની આર્ટ, કલ્ચરલ એન્ડ હેન્ડીક્રાફટ કમિટીના ચેરપર્સન શ્રીમતી સ્વાતી શેઠવાલા, કો–ચેરપર્સન શ્રીમતી મયૂરી મેવાવાલા અને સુશ્રી નિમિષા પારેખ તેમજ અન્ય સભ્યો હાજર રહયા હતા. આ યોગા મહોત્સવમાં વય ગૃપ કેટેગરીમાં સબ જુનિયર (ગર્લ્સ એન્ડ બોય્ઝ) ૦૮થી ૧૪ વર્ષ, જુનિયર બોય્ઝ એન્ડ ગર્લ્સ કેટેગરીમાં ૧૪થી ૧૮ વર્ષ, સીનિયર બ બોય્ઝ એન્ડ ગર્લ્સ કેટેગરીમાં ૧૮થી ર૪, સીનિયર ખ બોય્ઝ એન્ડ ગર્લ્સ કેટેગરીમાં ર૪થી ૩૦ વર્ષ, વયસ્ક પુરૂષો અને મહિલાઓની કેટેગરીમાં ૩૦થી ૪૦, માસ્ટર્સ પુરૂષો અને મહિલાઓની કેટેગરીમાં ૪૦થી પ૦ વર્ષ, સીનિયર માસ્ટર્સ પુરૂષો અને મહિલાઓની કેટેગરીમાં પ૦થી ૬૦ વર્ષ અને સીનિયર સીટિઝનની કેટેગરીમાં ૬૦ વર્ષથી ઊપરની વયની વ્યક્તિએ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જીવન વિકાસ ટ્રસ્ટ સંચાલિત મંદબુદ્ધિ સ્કૂલના બાળકોએ કો–ચેરપર્સન શ્રીમતી મયૂરી મેવાવાલાના માર્ગદર્શન હેઠળ યોગા મહોત્સવમાં ભાગ લીધો હતો તથા પદ્માસન, ભૂનમન, ઉસ્ત્રાસન, ઓમકાર અને તાડાસન વિગેરે યોગા કર્યા હતા. યોગા મહોત્સવમાં સૂર્ય નમસ્કાર તથા આરોગ્ય માટે લાભકારક વિવિધ યોગાની કોમ્પીટીશન યોજાઇ હતી, જેમાં દરેક વય ગૃપની કેટેગરીના વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
• Share •