નવી દિલ્હી- વર્તમાન ન્યૂઝ.કોમ
દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવ્યા હતા. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી. માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ છે. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ છે. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ છે. ત્યારે સ્પાઇસજેટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે હાલમાં અમારા સેવા પ્રદાતા સાથે ટેકનિકલ પડકારોનો અનુભવ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઇન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણે, અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સક્રિય કરી છે. માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. યુરોપમાં રાયનએરે કહ્યું છે કે નેટવર્કની ખામીને કારણે ફ્લાઇટ્સ સંચાલનને અસર થઇ છે. મુસાફરોને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં રાયનએર એપ પર ફ્લાઇટ્સના અપડેટ્સ ચકાસતા રહેવા કહેવાયું છે. બ્રિટનમાં રેલવે સિસ્ટમ પણ પડી ભાંગી છે. માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે રેલવે કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે તેઓને ચાલતી ટ્રેનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજને કારણે સ્કાય ન્યૂઝ ચેનલ બંધ કરવી પડી હતી. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે.
• Share •