Page Views: 12639

ડો. સમીર ત્રિવેદીને ડીઝીટલ એરેસ્ટ કરી રૂ.2.50 કરોડ પડાવનારી મહિલાની જામીન અરજી કોર્ટે ફગાવી

સિનિયર સરકારી વકીલ દિગંત તેવારની દલીલો અને રેકોર્ડ પરના પૂરાવાને ધ્યાનમાં લઇ કોર્ટે ઓર્ડર કર્યો

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

સાયબર ક્રાઇમ મુંબઇની ખોટી ઓળખ આપીનેને સુરતના ડોક્ટર સમીર ત્રિવેદીને ઓન લાઇન ટ્રેપમાં ફસાવી ડીઝીટલ એરેસ્ટ કરી રૂ.2.50 કરોડ પડાવી લેવાના કેસમાં હરિયાણાના કઇથાલની મહિલા આરોપી જ્યોતિ ભીમસિંહના જામીન સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફગાવાયા હતા. સિનિયર સરકારી વકીલ દિગંત તેવારની દલીલો અને રેકોર્ડ પરના પૂરાવાઓને ધ્યાનમાં લઇ કોર્ટે મહિલા આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વિગતો અનુસાર, મજુરાગેટ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પ્રોફેસર બંગલોઝ ખાતે રહેતા ડો. સમીર વિનયકાંત ત્રિવેદીને એક વ્યક્તિએ કોલ કરી અને ફેડેક્ષ કુરીયરમાંથી બોલુ છું. એમ કહીને બોગસ ઓળખ ઉબી કરીને જણાવ્યું હતું કે, તમે બુક કરાવેલા પાર્સલ કસ્ટમ વિભાગે ડિટેઇન કર્યા છે અને તેમાં પાંચ પાસપોર્ટ સહિત ત્રણ ડેબીટ કાર્ડ ને 240 ગ્રામ એમ ડી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ડો. સમીર ત્રિવેદીને વાતોમાં ફસાવીને તેમનો કોલ મુંબઇના ભાયખલ્લા સાયબર ક્રાઇમમાં કનેક્ટ કરવાના બહાને વાત કરાવી હતી. તેમજ સમગ્ર કૌભાંડ 68 હજાર કરોડનું છે અને તેમાં અનેક લોકો સંડોવાયેલા છે અને તમારૂનામ પણ ખુલ્યુ છે. આટલુ કહીને ડો. ત્રિવેદીને સ્કાય પે એપ ડાઉન લોડ કરાવી સતત 14 દિવસ સુધી તેમને ડીઝીટલ એરેસ્ટ રાખી ટુકડે ટુકડે 2.50 કરોડ રૂપિયા ઓન લાઇન ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. આ અંગે ડો. સમીર ત્રિવેદીએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા પોલીસે હરિયાણાની જ્યોતિ ભીમસિંગ નામની મહિલાને ઝડપી પાડી હતી. મહિલાએ જામીન અરજી દાખલ કરતા સિનિયર સરકારી વકીલ દિગંત તેવારે મહિલા આરોપીને જામીન આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ જણાવ્યું હતું કે, મહિલા આરોપીના એકાઉન્ટમાંથી ડો. ત્રિવેદીએ ટ્રાન્સફર કરેલા રૂ.68 લાખ હાથ લાગ્યા છે. ઉપરાંત આ સમગ્ર ટોળકી દુબઇથી ઓપરેટ થાય છે અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કેસમાં અન્ય આરોપીઓ નાસતા ફરે છે અને લોકો પાસેથી આ પ્રકારે છેતરપિંડી કરીને પડાવેલા રૂપિયાનો ક્યાં ઉપયોગ થાય છે એ પણ તપાસનો વિષય છે. આરોપી મહિલા સાથે અનેક આરોપીઓ સંડોવાયેલા છે અને તેઓ આંતર રાષ્ટ્રીય કક્ષાએ લોકોને આ પ્રકારે બોગસ પોલીસની ઓળખ આપીને ઓન લાઇન રૂપિયા પડાવે છે. કેસની ગંભીરતા, રેકોર્ડ પરના પૂરાવાઓ અને સિનિયર સરકારી વકીલ દિગંત તેવારની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી મહિલા જ્યોતિ ભીરસિંહની જામીન અરજી નામંજૂર કરી હતી.