Page Views: 10405

પલસાણામાં એમ ડી ડ્રગ્સની ફેક્ટરી પર એટીએસના દરોડા- રૂ.51 કરોડની કિંમતના ડ્રગ્સના રો મટિરીયલ્સ સાથે ત્રણ ઝડપાયા

ત્રણેય આરોપીઓએ એક મહિનાથી પતરાનો શેડ ભાડે રાખી એમ ડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ

ગુજરાત ATSએ સુરત જિલ્લાના પલસાણામાં દરોડા પાડીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવા સાથે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા  છે. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની ATSએ ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને અમદાવાદ ATS ખાતે લઇ જવામાં આવશે.  ગુજરાત ATSના 2 PI, 5 PSI સહિતની ટીમ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પતરાંના શેડમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન શેડમાંથી 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો હતો. ATSએ 51.409 કરોડના મેફેડ્રોન સાથે સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ જૂનાગઢ, સુરત અને વાપીના રહેવાસી છે. આરોપીઓ છેલ્લા એક મહિનાથી 20 હજાર રૂપિયાનો ભાડે શેડ રાખીને મેફેડ્રોન ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા હતા. આરોપીઓમાંથી સુનીલ યાદવ રો-મટીરિયલ લાવતો હતો. વિજય ગજેરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો, જે રો-મટીરિયલમાંથી મેફેડ્રોન બનાવતો હતો. હરેશ કોરાટ બંને આરોપી સોંપે એ કામ કરતો હતો. આરોપીઓએ છેલ્લા એક મહિનામાં 4 કિલો મેફેડ્રોનનો જથ્થો તૈયાર કરીને મુંબઈના સલીમ સૈયદને આપ્યો હતો. સલીમ સૈયદને ઝડપી પાડવા ATSની ટીમ મુંબઇ તરફ રવાના થઈ છે. સલીમ હાથ લાગ્યા બાદ તેની સપ્લાય ચેઇનનો પર્દાફાશ થવાની સંભાવના છે.