સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત સોમવાર, તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંહતિ બિલ્ડીંગ, સરસાણા, સુરત ખાતે ‘અમેરિકામાં ઉદ્યોગ સાહસિકતા માટેની તકો’વિષય પર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અમેરિકાના Dhvaj, nc.ના ચેરમેન ડો. જયેશ શેઠ દ્વારા સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને અમેરિકામાં રહેલી ઉદ્યોગ સાહસિકતાની તેમજ વ્યાપાર – ધંધા માટેની તકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સેશનમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશને હવે વિશ્વભરમાં આવકાર મળી રહયો છે. ખાસ કરીને જી–ર૦ની પ્રેસિડેન્સી બાદ ભારત માટે વિશ્વભરના દરવાજા ખૂલી ગયા છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતને આખી દુનિયા માટે પ્રોડકટ બનાવવાની છે અને પ્રોડકટની સાથે સર્વિસ પણ ડેવલપ કરવાની છે. ભારતના રૂપિયાને વૈશ્વિક સ્વીકાર મળે તે દિશામાં પ્રયાસ થઇ રહયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતની ઇકોનોમીને પ ટ્રિલિયન યુએસ ડોલર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને એના માટે ભારતના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનું એક્ષ્પોર્ટ માટેનો ટારગેટ આપ્યો છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાથ ધરાયેલા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત રિજીયન અને ભારતથી વિવિધ પ્રોડકટનું વિશ્વના ૮૪ દેશોમાં એક્ષ્પોર્ટ વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે.
તેમણે જણાવ્યું હતું કે, મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારોને તથા વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. એવી જ રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના જુદા–જુદા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લાવવા મિટીંગો થઇ રહી છે. તદુપરાંત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ, હાઇ કમિશ્નર અને એમ્બેસેડર તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા વિવિધ એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા મિટીંગો થઇ રહી છે.ચેમ્બર પ્રમુખે વધુમાં કહયું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોને એક્ષ્પોર્ટ કરવા તેમજ વિશ્વના અન્ય દેશોમાં તેમના ઉદ્યોગ – ધંધાને એસ્ટાબ્લીશ કરવા માટે માર્ગદર્શન પૂરુ પાડવા હેતુ વિશિષ્ટ પ્રતિભા ધરાવનારા ભારતીય મૂળના વ્યવસાયિકો તેમજ નિષ્ણાંતોને આમંત્રિત કરવામાં આવી રહયા છે અને તેના ભાગ રૂપે આજનું સેશન યોજાયું હતું. અમેરિકાના Dhvaj, Inc.ના ચેરમેન ડો. જયેશ શેઠે જણાવ્યું હતું કે, અમેરિકાએ હવા, પાણી અને જમીન જેવા કુદરતી સંસાધનોનું જતન કરી રાખ્યું છે. અમેરિકાએ છેલ્લા પ૦ વર્ષથી ચાઇનામાં રોકાણ કરેલું હતું, પરંતુ હવે અમેરિકા, ચાઇના પર નિર્ભરતા ઘટાડવા માંગે છે. અમેરિકા સહિતના દેશો તથા ઉદ્યોગો બીજા વિકલ્પ તરીકે ભારતને જોઇ રહયા છે અને ભારતમાં રોકાણ કરવા જઇ રહયા છે ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ અને મેન્યુફેકચરીંગ વધશે, જેમાં કલીન મેન્યુફેકચરીંગ માટે ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવશે.
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા, ભારત પાસેથી પણ ટેકનોલોજી લઇ શકે છે, આથી સુરતમાં આઇટી ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો પાસે મહત્વની તક અમેરિકામાં સર્વિસ સેકટરમાં પણ છે. ભારતે કોવિડને જે રીતે હેન્ડલ કર્યું છે તેને જોતા ૪ વર્ષમાં ૪૦ વર્ષનો પ્રોગ્રેસ કર્યો છે. જેથી કરીને સર્વિસ ઇન્ડસ્ટ્રીની ખૂબ જ મોટી તક ભારતની પાસે આવી ગઇ છે. તેમણે કહયું હતું કે, અમેરિકા ઇનોવેશનમાં ધ્યાન આપે છે ત્યારે ભારત પણ હવે ઇનોવેશન તરફ આગળ વધી રહયું છે. મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી તથા સર્વિસ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોએ હવે માઇન્ડ સેટ બદલવું પડશે અને તેઓને ટેકનોલોજી પર ફોકસ કરવો પડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કો–ઓપરેટીવને મેન્યુફેકચરીંગ, અકાઉન્ટીંગ અને સર્વિસ સેકટરમાં લાવવું પડશે. મેડીકલ ઇકવીપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા પડશે. કવોલિટી મેનેજમેન્ટ કરવું પડશે. ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ બાયો મેડીકલ તરફ જઇ રહી છે. કેન્સર અલ્ઝાઇમર્સમાં ઘણું બધું ઇનોવેશન થઇ રહયું છે. નેનો ટેકનોલોજી આગળ વધી રહી છે ત્યારે નેનો ટેકનોલોજીથી વિવિધ ક્ષેત્રે ઘણી પ્રોગ્રેસ થઇ શકે છે.
ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી તથા સુરતના ટેક્ષ્ટાઇલ, રિયલ એસ્ટેટ, ફાર્માસ્યુટિકલ અને આઇટી ક્ષેત્રની સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો સેશનમાં ઉપસ્થિત રહયા હતા. મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર સંજય પંજાબીએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અમેરિકા અટલાન્ટાના ચતુરભાઇ છભાયાએ ડો. જયેશ શેઠનો પરિચય આપ્યો હતો. મિશન ૮૪ના સીઇઓ પરેશ ભટ્ટે સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. સેશનના અંતે ડો. જયેશ શેઠે સુરતના ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.
• Share •