સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરીના રોજ આવી રહ્યો છે; તેના ઉપક્રમે માતૃભાષા ગૌરવ અને સંવર્ધન અભિયાન તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્ર. - 334, ઉત્રાણમાં 'સાચી જોડણી લાગે વહાલી' પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી દિલીપભાઈ આંબલિયાએ આજના માર્ગદર્શક શ્રી રાજેશકુમાર ધામેલિયાનો પરિચય આપ્યો હતો. શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ હિરપરાએ સ્મૃતિચિહ્ન દ્વારા સ્વાગત કરી, પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ પરિસંવાદમાં શ્રી રાજેશકુમાર ધામેલિયાએ વિદ્યાર્થીઓને જોડણીના નિયમો વાર્તા, વિવિધ ઉદાહરણો દ્વારા સરળ અને રસાળશૈલીમાં શીખવ્યા હતા. વિદ્યાર્થીઓને લખાવવામાં આવેલા શબ્દોને ચકાસવામાં આવ્યા. સમાન જણાતાં શબ્દોની જોડણીમાં અલગ અલગ નિયમો લાગુ પડે છે, તેને સરળતાથી કેવી રીતે યાદ રાખવું - સમજવું તે અંગે પ્રશ્નોત્તરી દ્વારા સ્પષ્ટ સમજ આપવામાં આવી હતી.
આજના પરિસંવાદની ખાસ નોંધનીય બાબતો એ હતી કે, વિદ્યાર્થીઓએ ખૂબ જિજ્ઞાસાપૂર્વક અને ઉત્સાહથી પ્રશ્નો પૂછ્યા હતા : 'પુસ્તક લખવા માટે શું કરવું જોઈએ ?', 'એક પુસ્તક લખતાં કેટલા દિવસ થાય ?', 'ગુજરાતી ભાષાના નિયમો હિન્દી ભાષામાં ઉપયોગી થાય ?', 'ગુજરાતી ભાષાના શબ્દોની સાચી જોડણી શીખવા કેટલા નિયમો યાદ રાખવા જોઈએ ?' આવા વિવિધતાસભર પ્રશ્નો પૂછ્યા હતા અને તેના ચર્ચા દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા.
આ અવસરે શ્રી રાજેશકુમાર ધામેલિયા જણાવ્યું હતું કે, "માતૃભાષા પર પ્રભુત્વ મેળવવાથી દુનિયાની કોઈ પણ ભાષા સહેલાઈથી શીખી શકાય છે. શિક્ષણ એટલે માત્ર પરીક્ષામાં સારી ટકાવારી મેળવવી એટલું નહીં, વિદ્યાર્થીઓની વિચારશક્તિ ખીલવે તે શિક્ષણ. વિચારશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ, સમજશક્તિ વગેરે ખીલવવા માતૃભાષા ખૂબ મદદરૂપ થાય છે. ભાષાશિક્ષણ મેળવીએ ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, જોડણીના નિયમો ગોખવાના નથી. વિવિધ ઉદાહરણો દ્વારા નિયમો સમજવાના છે, જેથી જ્યારે જ્યારે વાચન કરીએ ત્યારે નિયમ યાદ આવે તેવું થવું જોઈએ.
પોતાનો કીમતી સમય ફાળવીને વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપવા બદલ શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ હિરપરાએ તજજ્ઞ શ્રી રાજેશકુમાર ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં ફરીથી વિદ્યાર્થીઓને જ્ઞાનનો લાભ આપવા આમંત્રણ પાઠવ્યું હતું.
• Share •