સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ (કિરીટ ત્રિવેદી-91735 32179)
વિવિધ પ્રકારના ટેકનોલોજી સોલ્યુશન્સમાં સુરત સ્થિત વૈશ્વિક અગ્રણી કંપની STPL એ વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે. આ વખતે, કંપનીના સીઇઓ શ્રી રાહુલ ગાયવાલાને ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (ASSOCHAM) દ્વારા "સીઇઓ ઓફ ધ યર" એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
18 ઓગસ્ટ, 2023 ના રોજ કોલકાતામાં આયોજિત એક સમારંભમાં શ્રી ગાયવાલાને આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર એસોચેમ, ભારત દ્વારા શરૂ કરાયેલ ટેકમીટ અને ટેકનોલોજી એક્સેલન્સ એવોર્ડ્સની 8મી આવૃત્તિનો એક ભાગ છે. આ એવોર્ડ કોર્પોરેટ, વ્યક્તિગત/ટીમ અને એજન્સી/સંસ્થાના સ્તરે ઉત્કૃષ્ટ યોગદાનના સન્માનમાં આપવામાં આવે છે. એસોચેમ, ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) દ્વારા 1920માં સ્થપાયેલ દેશનુ સૌથી પહેલું સર્વોચ્ચ ચેમ્બર છે. મંત્રાલય આગામી 25 વર્ષોમાં, જ્યારે દેશ તેની આઝાદીના 100મા વર્ષની ઉજવણી કરશે ત્યારે ભારતના વિકાસમાર્ગને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવતા ઉદ્યોગોને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
શ્રી ગાયવાલાએ સમગ્ર ભારતમાંથી ટેકનોલોજિકલ સેગમેન્ટમાં ‘સીઇઓ ઓફ ધ યર’ એવૉર્ડ મેળવ્યો છે . લેસર-આધારિત ડાયમંડ પ્રોસેસિંગ અને સેફ-ટ્રેડિંગ સોલ્યુશન્સ, રોબોટિક્સ અને ઓટોમેશન તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત એક્સ્ટેન્ડેડ રિયાલિટીનાં ક્ષેત્રોમાં તેમના અસાધારણ યોગદાન માટે, નામાંકિત જ્યુરી દ્વારા તેમની પસંદગી કરવામાં આવી છે. એવોર્ડ માટેની કોર્પોરેટ કેટેગરીમાં નવી ટેક્નોલોજી, AI ટેક્નોલોજી સોલ્યુશન્સ, બિઝનેસ માટે ટેક્નોલોજી ઈનોવેશન્સ, SaaS, ગ્રીન ટેક્નોલોજી, બ્લોકચેઇન સોલ્યુશન્સ, સાયબર સિક્યુરિટી અને મોબિલિટી સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.
શ્રી ગાયવાલા 1993થી સહજાનંદ ગ્રૂપ સાથે જોડાયેલા છે. તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ, R&D, ઉત્પાદન અને સપ્લાય ચેઇન સહિત કંપનીની વૈશ્વિક કામગીરીની દેખરેખ રાખે છે; પરંતુ ટેક્નોજિકલ પ્રગતિ તેમનું સૌથી પહેલી પસંદગીનું ક્ષેત્ર છે. એક પ્રતિષ્ઠિત ભારતીય ટેકનોક્રેટ તરીકે, તેમણે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ડાયમંડ પ્રોસેસિંગ ઉદ્યોગના પરિવર્તનનું નેતૃત્વ કર્યું છે અને તેમાં મેળવેલી સિદ્ધિઓનો અન્ય ક્ષેત્રોમાં પણ સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. ડાયમંડ ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીઅલ લેસર, મેડિકલ ઇક્વિપમેન્ટ અને લાઇફ સાયન્સ ઇન્ડસ્ટ્રીમાં વ્યાપક અનુભવ સાથે તેઓ વિઝનરી, હાર્ડ-કોર ઇનોવેટર, મોટિવેટર અને ટેકનોક્રેટનું અસામાન્ય સંયોજન છે.
છેલ્લા ત્રણ દાયકામાં, તેમણે હીરા ઉદ્યોગને શ્રમ-સઘન ઉદ્યોગમાંથી હાઇ-ટેક, ઓટોમેટેડ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં રૂપાંતરિત કરવા તરફ STPLનું સંચાલન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તબીબી ઉદ્યોગમાં, તેમણે સ્વદેશી રીતે મેડિકલ સ્ટેન્ટ્સ વિકસાવીને ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ કરી છે. તેમજ એડિટિવ મેન્યુફેક્ચરિંગમાં પણ તેમની કુશળતાનો લાભ મળી રહ્યો છે.
કંપનીના વિકાસની દેખરેખ સાથે, શ્રી ગાયવાલાએ હંમેશા સમગ્ર ઉદ્યોગોને પરિવર્તિત કરવાના માર્ગો શોધવા તથા સમાજ અને રાષ્ટ્રને મોટા પાયે લાભો સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે વિવિધ સેગમેન્ટમાં ટેક ડેવલપમેન્ટ માટે ડેટા સેન્ટર્સ, ટેક્નોલોજી ઈનોવેશન્સ અને ઈન્ટરનેશનલ કોલાબોરેશન્સ, ટેક સોલ્યુશન્સ અને ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજી વગેરે વિકસાવવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે.
શ્રી ગાયવાલા ભાવિ માટે તૈયાર પ્રોડક્ટ ઇનોવેશન, STPLના વૈશ્વિક વ્યવસાયનું વિસ્તૃતીકરણ અને નવીન લેસર સોલ્યુશન્સની જોગવાઈમાં કંપનીને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત લીડર તરીકે સ્થાપિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. વધુમાં, તેઓ વ્યાપાર વિશ્વ અને શિક્ષણજગત વચ્ચેના અંતરને દૂર કરવા માટે યુનિવર્સિટીઓ સાથે સક્રિયપણે સહયોગ સાઘી રહ્યા છે. શ્રી ગાયવાલાએ ઉદ્યોગ વિશેના તેમના અસાધારણ જ્ઞાન અને સમાજમાં તેમના યોગદાનને કારણે પોતાને માટે અને કંપની માટે અસંખ્ય સન્માનો જીત્યાં છે.
• Share •