સુરત-17-8-2019
શહેરના પોશ એવા પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલા એક હાઇ રાઇઝ બિલ્ડીંગના નવમા માળ પર આવેલા ફ્લેટમાં અચાનક શોટ સર્કિટથી આગ લાગી હતી. આગની ઘટના અંગે જાણ થતા લાશ્કરો તુરંત ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર એપાર્ટમેન્ટના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, પાર્લેપોઇન્ટ વિસ્તારમાં આવેલા બ્રીજરત્ન એપાર્ટમેન્ટના નવમાં માળ પર નરેશ અગ્રવાલ નામના વ્યક્તિનો ફ્લેટ આવેલો છે આ ફ્લેટમાં વાયરીંગમાં શોટ સર્કિટ થવાથી આગ લાગી હતી. જેના કારણે ઘરના સભ્યો ગભરાઇને બહાર નીકળી ગયા હતા. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને પગલે ગભરાટ ફેલાઇ ગયો હતો અને તમામ લોકોએ હોબાળો મચાવી દીધો હતો. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અડાજણ વિસ્તારના લાશ્કરો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માત્ર ત્રીસ મીનીટમાં જ આગને કાબુમાં લઇ લીધી હતી. ફાયરના લાશ્કરોએ તપાસ કરતા બ્રીજ રત્ન એપાર્ટમેન્ટની ફાયર સીસ્ટમ જુની થઇ ગયેલી અને ખખડધજ હાલતમાં હોવાથી તેનો ઉપયોગ થઇ શક્યો ન હતો. આ મામલે ફાયર વિભાગ દ્વારા નોટીસ આપવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
• Share •