સુરત-16-8-2019
શહેરના રાંદેર રોડ પાલનપુર પાટીયા નજીક આવેલી એક દુકાનમાં જીએસટી અધિકારીના નામે તોડ કરવા જતા એક ગઠીયાને રાંદેર પોલીસે ઝડપી લીધો છે. વેપારીની ચાલકીને કારણે આ ગઠીયો પોલીસને હાથ લાગ્યો છે અને હાલમાં પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
રાંદેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના રાંદેર રોડ પાલનપુર પાટીયા નજીક આવેલી એક દુકાનમાં ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની નંબર પ્લેટ વગરની ગાડીમાં આવેલા એક યુવાને પોતાની ઓળખ જીએસટી અધિકારી તરીકેની આપી હતી. બાદમાં વેપારી પાસેથી જીએસટીના ચલણો અને ફાઇલોની માંગણી કરી હતી જે પ્રકારે આ ગઠીયાએ રોફ જમાવ્યો તેનાથી વેપારી પહેલા તો ગભરાઇ ગયા હતા. પરંતુ બહાર આવીને જોતા જે ગાડીમાં ગઠીયો આવ્યો હતો તેના પર માત્ર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત એટલુ જ લખેલુ હતું પરંતુ નંબર પ્લેટ ન હતી જેથી વેપારીને શંકા ગઇ હતી અને તેમણે રાંદેર પોલીસને આ અંગે જાણ કરી હતી. જેથી રાંદેર પોલીસ તુરંત પાલનપુર પાટીયા ખાતે દોડી ગઇ હતી અને જે ગાડીમાં આ ગઠીયો આવ્યો હતો તેનો કબજો લઇને આ ગઠીયાને પણ ઝડપી પાડ્યો હતો અને તેની પુછપરછ કરતા તે બોગસ અધિકારીની ઓળખ આપીને એક લાખ પાંચ હજાર રૂપિયાની માંગણી કરી રહ્યો હોવાની તેણે કબુલાત કરી હતી. આ ગઠીયાએ શહેરના અન્ય કોઇ વેપારીઓને પણ આ રીતે છેતર્યા છે કે કેમ તે અંગે રાંદેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જો કોઇ વેપારી સાથે આ ગઠીયાએ ચીટીંગ કર્યું હોય તો તેમને રાંદેર પોલીસનો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવ્યુ છે.
• Share •