Page Views: 100406

મેડીકલમાં વિદ્યાર્થીઓને રાહત : ૩ વર્ષના બદલે ૧ વર્ષ માટે જ ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડશે

અભ્યાસ પૂર્ણ કરી ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહિ આપનાર મેડિકલના સ્ટુડન્ટને ૨૦ લાખ રૂપિયાનો દંડ થશે

અમદાવાદ-14-08-2019

મેડિકલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આજે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા આજે મહત્વની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પહેલા જયારે અભ્યાસ પૂર્ણ કરતા તેઓને ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવવી પડતી હતી. તે ફરજમાં સરકાર દ્વારા હવે ઘટાડો કરીને માત્ર એક વર્ષ કરી દેવામાં આવી છે. જેથી હવે એક વર્ષ માટે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવી પડશે. ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહિ આપનાર મેડિકલના સ્ટુડન્ટને ૨૦ લાખ રૂપિયાનો દંડ થશે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એમબીબીએસ પૂર્ણ કર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સેવાનો સમય ૩ વર્ષનાં બદલે ૧ વર્ષ કરવામાં આવ્યો છે. તે સાથે ૫ લાખનાં બોન્ડની સાથે ૧૫ લાખની ગેરન્ટી આપવી પડશે. જે માટે ૩૦૦ રૂપિયાનાં સ્ટેમ્પ પર સોગંદનામુ કરવુ પડશે. આ વિદ્યાર્થીઓએ બોન્ડની રકમ રૂપિયા ૫ લાખની બેન્ક ગેરેન્ટી અથવા ૫ લાખની કિંમત ધરાવતી મિલકત ગેરેન્ટી આપવાની રહેશે.