Page Views: 140395

અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલા વિધિવત ભાજપના કેસરી રંગે રંગાયા

ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘણી સહીત અન્ય અગ્રણી નેતાઓએ બંને નવા સભ્યોને આવકાર્યા

અમદાવાદ-18-07-2019

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અટકળોનો દોર શરુ થયો જેનો આજે અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલા આજે ગુરુવારે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારાણ કર્યો છે. બંને ભાજપના કેસરી રંગે રંગાયા છે. જયારે ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘણી સહીત અન્ય અગ્રણી નેતાઓએ બંને નવા સભ્યોને આવકાર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, ક્ષત્રિય સમાજની બેઠક બાદ લેવાયેલા નિર્ણય પછી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આજે ગુરુવારે ભાજપમાં જોડાવવા માટે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને બાડયના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમમાં પહોંચ્યા હતા. બંને નેતાઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમની સાથે કમલમ પહોંચ્યા હતા.

કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ વિધિવત રીતે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. બંને નેતાઓ ભાજપમાં જોડાયાનો જીતુ વાઘાણીએ આનંદ વ્યક્ત કર્યો હતો.

જયારે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જુથવાદ ચરમસીમાએ હતો. લોકોનું ભલું કરવામાં કોંગ્રેસમાં હું સક્ષમ ન હતો. હું નબળા શિક્ષકોની શાળા છોડી ગુરુકુળમાં આવ્યો છું. કાર્યકર્તા તરીકે ભાજપમાં જોડાયો છું.