Page Views: 137257

રીયલ સુપર સ્ટાર -રાજેશ ખન્ના

દાદાસાહેબ ફાળકે એકેડમીએ રાજેશ ખન્નાને ‘ભારતીય સિનેમાના પહેલાં સુપર સ્ટાર’ નામે નવાજ્યા હતા

સુરત-નરેશ કાપડિઆ દ્વારા

હિન્દી ફિલ્મોના રીયલ સુપર સ્ટાર રાજેશ ખન્નાએ આખરી એક્ઝીટ લીધાંને સાતવર્ષ થઇ ગયાં. ૧૮ જુલાઈ, ૨૦૧૨ના રોજ ૬૯ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. ૨૯ ડીસેમ્બર, ૧૯૪૨ના રોજ તેમનો અમૃતસરમાં જન્મ થયો હતો. જયારે દેશના સૌથી સફળ અભિનેતાઓને યાદ કરાશે, ત્યારે રાજેશ ખન્ના તેમાં ટોચ પર હશે. ૧૯૬૯થી ૧૯૭૧ના ટૂંકા ગાળામાં રાજેશ ખન્નાએ ૧૫ સોલો હીટ ફિલ્મો આપી હતી, જે સફળતાનો વિક્રમ છે. ૧૬૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર, ત્રણ વાર ફિલ્મફેર બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર અને ચારવાર બીએફજેએ શ્રેષ્ઠ એક્ટરના એવોર્ડ્સ જીતનારા રાજેશ ખન્નાને ૧૯૯૧માં ફિલ્મફેર દ્વારા ફિલ્મોમાં ૨૫ વર્ષ પુરા કરવા બદલ સ્પેશિયલ એવોર્ડ આપ્યો હતો અને ૨૦૦૫માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપી સન્માન કરાયું હતું. ૧૯૭૦થી ૧૯૮૭ સુધી તેઓ સૌથી વધારે ફી લેતાં અભિનેતા હતાં, જોકે ૧૯૮૦થી ૧૯૮૭ સુધી આવું સન્માન ખન્ના સાથે અમિતાભ બચ્ચન પણ ભોગવતા હતાં. રાજેશ ખન્ના સંસદની ચુંટણી નવી દિલ્હી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂપે જીત્યા હતા અને ૧૯૯૨થી ૧૯૯૬ સુધી સાંસદ રહ્યા હતા.

અમૃતસરમાં ૧૯૪૨માં જન્મેલા આ અભિનેતાનું મૂળ નામ જતીન ખન્ના હતું. ચુન્નીલાલ અને લીલાવતી ખન્નાએ જતીનને દત્તક લીધો હતો. તેઓ જતીનના મા-બાપના સંબંધી હતાં. જતીનને દત્તક લેનાર મા-બાપ ૧૯૩૫માં લાહોરથી મુંબઈ આવીને વસ્યાં હતાં, તેઓ રેલવેના કોન્ટ્રાક્ટર હતાં. રાજેશ મુંબઈની સેન્ટ સેબેસ્ટીન ગોવાઅન સ્કૂલમાં ભણ્યા હતા, જ્યાં તેમના સહપાઠી રવિ કપૂર હતા, જેને આપણે જીતેન્દ્ર રૂપે ઓળખીએ છીએ. રાજેશ ખન્ના મુંબઈના ગીરગામ, ઠાકુર દ્વારના સરસ્વતી નિવાસમાં રહેતા હતા. સ્કૂલ અને કોલેજમાં રાજેશ ખુબ નાટકો કરતા અને અભિનેતા રૂપે તેમને ઘણાં ઇનામો મળ્યાં હતા. ૧૯૫૯થી ૧૯૬૧ના બે વર્ષ રાજેશ પુણેની નવરોઝજી વાડિયા આર્ટસ કોલેજમાં ભણ્યાપછી તેઓ મુંબઈની કે.સી. કોલેજમાં ભણ્યા હતા. સાંઠના દાયકાના આરંભમાં નાટક અને ફિલ્મોમાં કામ શોધનારા રાજેશ ખન્ના ત્યારે પણ એમ.જી. સ્પોર્ટ્સ કારમાં ઘૂમતા હતા. તેમના કાકા કે.કે. તલવારે તેમનું ફિલ્મી નામ જતીનમાંથી રાજેશ ખન્ના કર્યું હતું. તેમના મિત્રો રાજેશ ખન્નાને બાળક જેવો ચેહરો ધરાવનાર માટે વપરાતો પંજાબી શબ્દ ‘કાકા’ કહી બોલાવતા.

૧૯૬૫માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ યોજાઈ હતી, જેમાં દસ હજારથી વધુ હરીફોમાંથી આઠ ફાઈનાલીસ્ટમાંના એક રાજેશ ખન્ના હતા. જે નિર્માતાઓએ મંડળ બનાવીને આ હરીફાઈ યોજી હતી તેમાં બી.આર. ચોપ્રા, બિમલ રોય, જી.પી. સિપ્પી, એચ.એસ. રવૈલ, નસીર હુસૈન, જે. ઓમપ્રકાશ, મોહન સાયગલ, શક્તિ સામંત અને સુબોધ મુખર્જી જેવા ધુરંધરો હતાં. તેઓ જ તે સ્પર્ધાના જજ પણ હતાં. તેમની કસોટીમાં ખરા ઉતરેલા રાજેશ ખન્નાને ઇનામ રૂપે મળેલી ફિલ્મોમાં પહેલી ફિલ્મ ચેતન આનંદની ‘આખરી ખત’ હતી. આ ફિલ્મ ૧૯૬૭ની ભારતની ઓસ્કાર એવોર્ડ માટેની એન્ટ્રી હતી. ત્યાર બાદ ‘રાઝ’ આવી. એ મહાન નિર્માતાઓએ રાજેશ ખન્નાને મોટી ફિલ્મો દ્વારા ટૂંકા ગાળામાં મોટી સફળતા અપાવી હતી. એમાં રાજેશને મળી ‘ઔરત’, ‘ડોલી’ અને ‘ઇત્તેફાક’. નસીર હુસૈનની ‘બહારોં કે સપને’માં રાજેશની નોંધ લેવાઈ. ‘ઇત્તેફાક’માં તેમના વખાણ થયાં અને ‘આરાધના’થી તેઓ દેશભરમાં જાણીતા સ્ટાર બની ગયા. અહીં તેમને માટે કિશોર કુમારે ગાયું અને પછી કિશોરદાના ૧૯૮૭ના નિધન સુધી ગાતાં જ રહ્યા. ‘દો રાસ્તે’ હીટ ગઈ. વહીદા રહેમાને આસિત સેનને કહીને રાજેશને ‘ખામોશી’માં લેવડાવ્યા હતા. ૧૯૭૧માં રાજેશે સલીમ-જાવેદ લિખિત ‘હાથી મેરે સાથી’માં કામ કર્યું, જે વર્ષની સૌથી સફળ ફિલ્મ બની. રાજેશે ૧૯૭૦માં રાજેન્દ્ર કુમારનો ‘ડીમ્પલ’ નામનો કાર્ટર રોડ પરનો બંગલો ૩૧ લાખમાં લીધો અને તેનું ‘આશીર્વાદ’ નામ રાખ્યું.  ૧૯૭૨માં ખન્નાની ૧૧ ફિલ્મો આવી, જેમાંથી ‘દુશ્મન’, ‘અમર પ્રેમ’, ‘અપના દેશ’ અને ‘મેરે જીવન સાથી’એ મળીને ત્યારની મોટી રકમ સમાન રૂપિયા પાંચ કરોડની આવક મેળવી હતી. તેજ વર્ષે ‘દિલ દોલત દુનિયા’, ‘બાવર્ચી’, ‘જોરુ કા ગુલામ’, ‘શેહજાદા’ મળી વધુ સાડા ચાર કરોડ કમાઈ હતી. પછીની તેમની સફળ ફિલ્મ હતી ‘અનુરાગ’. હિંદુ અખબારે નોંધ્યું છે કે ૧૯૭૩ની ‘રાજા રાની’ની આવકને ફુગાવા વડે જોઈએ તો આજના સો કરોડ જેટલી આવક મેળવી હતી.

રાજેશ ખન્નાના યાદગાર ગીતો: અકેલે હૈ ચલે આઓ – રાઝ, મેરે સપનો કી રાની કબ આયેગી તું – આરાધના, ખિઝા કે ફૂલ પે આતી કભી – દો રાસ્તે, વો શામ કુછ અજીબ થી – ખામોશી, ગુલાબી આંખેં – ધ ટ્રેઈન, મેરી પ્યારી બહનીયા બનેગી – સચ્ચા જુઠા, જીવન સે ભરી તેરી આંખે – સફર, યે શામ મસ્તાની – કટી પતંગ, મૈને તેરે લીયે હી – આનંદ, અચ્છા તો હમ ચલતે હૈ – આન મિલો સજના, ઝીંદગી એક સફર  હૈ સુહાના – અંદાઝ, ચલ ચલ ચલ મેરે સાથી – હાથી મેરે સાથી, યે જો ચિલમન હૈ – મેહબૂબ કી મેહંદી, વાદા તેરા વાદા – દુશ્મન.લાંબી માંદગી બાદ ૧૮ જુલાઈ ૨૦૧૨ના રોજ રાજેશ ખન્નાનું ૬૯ વર્ષની વયે નિધન થયું હતું. તેમને મૃત્યુ બાદ પદ્મભૂષણનો ઈલ્કાબ અપાયો હતો. ૨૦૧૩માં દાદાસાહેબ ફાળકે એકેડમીએ રાજેશ ખન્નાને ‘ભારતીય સિનેમાના પહેલાં સુપર સ્ટાર’ નામે નવાજ્યા હતા. સરકારે તેમના નામની ટપાલ ટિકિટ, પ્રતિમા અને તેમના નામનો માર્ગ જાહેર કર્યા હતાં.  તેમણે પોતાની પહેલી ફિલ્મ ‘બોબી’ રજૂ થાય તેના આઠ મહિના પહેલાં ડીમ્પલ કાપડીઆ સાથે લગ્ન કર્યા હતાં. આ દંપતીને બે દીકરીઓ, મોટી દીકરી ટ્વિન્કલ ખન્ના અભિનેતા અક્ષય કુમારને પરણ્યા અને નાની દીકરી તે રીન્કલ ખન્ના.