Page Views: 197429

રાંદેર-પાલ માં આવેલ પે એન્ડ યુઝ બન્યું ખાનગી રહેઠાણ

લોકો ના ઉપયોગ માટે બનાવેલ આ જગ્યા પર એક પરિવારે કર્યો કબજો

સુરત-07-05-2018

સુરત શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પે એન્ડ યુઝ બનાવ્યા છે. જોકે રાંદેર-પાલ વિસ્તારમાં પે એન્ડ યુઝ બંધ હાલતમાં મળી આવ્યું હતું. જોકે તપાસ કરતા આ પે એન્ડ યુઝ એક ખાનગી રહેઠાણ બની ગયાનું જાણવા મળ્યું હતું. જ્યાં એક પરિવારે કબજો કરી લીધો છે. લોક ઉપયોગી બનતી આ જગ્યા પર કબજો થઇ ગયા બાદ જરૂરિયાતમંદોને બહાર જવું પડી રહ્યું છે.

સુરતને સ્વચ્છ બનાવવા માટે પાલિકા સતત કાર્યરત રહે છે. જયારે આ કામગીરીનું પાલિકાને યોગ્ય ફળ પણ મળી રહ્યું છે. જેના ભાગરૂપે સુરતને સ્વચ્છતા ક્ષેત્રે પ્રગતિ કરી છે. જયારે લોકોને વધુ ઉપયોગી થવા ને સુરતને ગંદુ થતું બચાવવા માટે પાલિકા દ્વારા શહેરના દરેક ઝોન વિસ્તારમાં કેટલીક જગ્યા પર પે એન્ડ યુઝ બનાવી દેવામાં આવ્યા છે. જેથી લોકો અન્ય જગ્યા પર શૌચ ક્રિયા કરવાની જગ્યા એ આ પે એન્ડ યુઝ નો ઉપયોગ કરે અને સુરતમાં ગંદકી ઓછી રહે. જોકે રાંદેર-પાલ વિસ્તારમાં એક ચોકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. આ વિસ્તારમાં આવેલ પે એન્ડ યુઝ સદંતર બંધ હાલતમાં નજરે પડ્યું હતું. જોકે નજીક રહેતા રહીશો ને આ અંગે પુછાતા કઈક નવુ જ જાણવા મળ્યું હતું. નવાઈની વાત તો એ છે કે લોકો ના ઉપયોગ માટેની આ જગ્યા બંધ નહિ પરંતુ ત્યાં એક પરિવાર નું રહેઠાણ છે! લોકોની શૌચ સુવિધા માટે બનાવેલા આ ટોઇલેટ નો કબજો કરીને લોકો રહેઠાણ માટે ઉપયોગમાં લઇ રહ્યા છે. જેથી જરૂરિયાતમંદોને અન્ય જગ્યા પર શૌચ માટે જવું પડી રહ્યું છે. આ ઘટના જ આ રાજ્ય અને શહેરના વિકાસની વાસ્તવિકતા દેખાડે છે.