સુરત-5-5-2018
ગજેરા સર્કલ નજીક રહેતી એક વિદ્યાર્થિનીને વર્ષ 2013માં આ વિસ્તારમાં જ રહેતો એક યુવાન પોતાની સાથે ભગાવી ગયો હતો. ઉત્તર પ્રદેશ ખાતે આ વિદ્યાર્થિનીને લઇ ગયા બાદ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને કતારરગામ પોલીસે તેને ઝડપી શહેરના કતારગામ લઇ જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
બનાવની વિગતો અનુસાર, શહેરના કતારગામ ગજેરા સર્કલ વિસ્તારમાં રહેતા એક મુળ ઉત્તર પ્રદેશના પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને કતારગામ જનતા નગરમાં રહેતો ભીખુ પટેલ નામનો યુવાન ગત તા. 6-5-2013ના રોજ પોતાની વાતોમાં ભોળવીને ભગાવી ગયો હતો. આ વિદ્યાર્થિનીને ઉત્તર પ્રદેશના મીરઝાપુરના લાલગંજ ખાતે લઇને ગયેલા ભીખુ પટેલે તેણીને લગ્નની લાલચ આપી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્રણ દિવસ બાદ ભીખુ પટેલે પોતાના ભાઇ રામજીભાઇ પટેલની પત્ની એટલે કે, પોતાની ભાભી વાસંતીબેનને ફોન કરીને તે આ વિદ્યાર્થિનીને ભગાવીને ઉત્તર પ્રદેશ આવ્યો હોવાનો ફોન કર્યો હતો. જેની જાણ થતા વિદ્યાર્થિનીના પિતાએ ગત તા.17-5-2013ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં ભીખુ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભીખુ પટેલને ઝડપી લીધો હતો અને તેને જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં આજે સરકારી વકીલ દિગંત તેવારની ધારદાર દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં રાખી અને સ્પેશ્યલ પોસ્કો કોર્ટના જજ શ્રી આર એલ ઠક્કરે આરોપી ભીખુ પટેલને પોક્સો એક્ટ 2012ની કલમ 5 (એલ)સબબ કાયદાની કલમ 6 જોગવાઇ પ્રમાણે દસ વર્ષની સખત કેદ અને રૂપિયા 10 હજાર દંડ તેમજ જો દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા ફટકારી હતી. ઉપરાંત પોસ્કો એક્ટની કલમ 3 (એ) કલમ 4 અંતર્ગત સાત વર્ષની સખત કેદ અને રૂપિયા 2 હજાર દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સખત કેદ, કલમ 376 (2, આઇ, જે, એન,)ની જોગવાઇ પ્રમાણે દસ વર્ષની સખત કેદ અને રૂપિયા ત્રણ હજાર દંડ અને જો દંડ ન ભરે તો ચાર માસની સાદી કેદ, સાથો સાથ ભોગ બનનાર વિદ્યાર્થિનીને વચગાળાના વળતરની રકમ તરીકે રૂપિયા 25 હજાર ચુકવી આપવા પણ ભલામણ કોર્ટે કરી હતી.
• Share •