Page Views: 245433

પાણીની તંગીનો ઉકેલ એટલે વરસાદી પાણીનો સંગ્રહ કરતા ભૂગર્ભ ટાંકાઓ

પાણીની પીડામાંથી મુક્ત થવા આ નાનકડો એક પ્રયાસ મોટું કામ કરશે

સુરત-02-05-2018

શું આપને બારેમાસ અને ૨૪ કલાક કુદરતી મીઠાશ ધરાવતું શુદ્ધ પાણી જોઈએ છે? તો આગળ વાંચો..કુદરત આપણને દર વર્ષે વરસાદ રૂપે પાણીનો ખૂટે નહિ તેટલો ખજાનો આપે છે. બસ, આપણે તેનો સંગ્રહ કરવાનો છે. અનેક ગામો અને શહેરોએ ભૂગર્ભ ટાંકાઓ બનાવવાની આ પહેલ કરીને પાણીની સમસ્યાથી હંમેશાં માટે છુટકારો મેળવ્યો છે.

પાણીની વિકરાળ સમસ્યાને પહોંચી વળવા ભૂગર્ભ ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. આજના ઉનાળાના બળબળતા તાપમાં જયારે ગુજરાતમાં પાણીની સમસ્યાએ દેખા દીધી છે. તેવા સમયે શહેરમાં રહેતા જાગૃત નાગરિકો આવનારા સોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો સંગ્રહ કરીને કુદરતની અણમોલ ભેટને આવનારી પેઢી માટે સાચવી રાખે તે જરૂરી છે. સૂરત શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે પાણી પહોચાડવામાં આવે છે. દિવસમાં અમુક સમયે પાણી પહોંચાડવામાં આવતુ હોવાથી ઘર, ટાઉનશીપ કે મોટા મલ્ટીપ્લેક્ષોમાં જમીનમાં પાણીના સંગ્રહ માટેના ટાંકાઓ બનાવવામાં આવ્યા હોય છે. ત્યારે વરસાદના સમયે અગાશીમાંથી વહી જતા પાણીને માત્ર એક પાઈપ સાથે જોડાણ કરીને આ વરસાદી પાણીને સીધું આ ટાંકાઓમાં સંગ્રહ કરી શકાય છે. ઘણા લોકોએ તો ઘરમાં પડેલી પાઇપ પ્લાસ્ટિકની ખાલી બોટલનો ઉપયોગ કરી કોઇ જ પ્રકારના ખર્ચ વગર પાણીનો સંગ્રહ શરૂ કર્યો છે જે આવકાર્ય છે. આ પાણીનો ઉપયોગ પીવાથી માંડીને વાસણ માંજવા જેવી રોજીદી ક્રિયાઓમાં કરી શકાય છે. કારણ કે, વરસાદી પાણીએ ૧૦૦ ટકા શુધ્ધ હોય છે. આમ કરવાથી પાણીના મીટર પણ નહી ફરે. આમ પૈસાની સાથે પાણીની પણ બચત થશે.

ધાબા-છાપરાના પાણીને હેન્ડપંપ, બોરવેલ કે કૂવાના માધ્યમથી ભૂગર્ભમાં ઉતારી શકાય છે. વરસાદી પાણીના સંગ્રહની સૌથી સરળ બે રીત છે.-એક, ધાબા-છાપરાના વરસાદી પાણીને ખાડા મારફતે સીધું જમીનમાં ઉતારવામાં આવે. બીજું- ધાબા-છાપરાના વરસાદી પાણીનો કોઈ ટાંકી કે સમ્પવેલમાં સંગ્રહ કરીને સીધો ઉપયોગ કરવામાં આવે. કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એ માત્ર પાણીના કારણે લડાશે. ત્રીજું વિશ્વયુદ્ધ અટકાવવું હોય તો વરસાદના એકેએક ટીપાંને ઝીલી લેવું પડશે. તેમાંથી જોઈએ એટલું પાણી વાપરી, શક્ય હોય તેટલું પાણી આપણે ધરતીના તળિયે ઉતારવું પડશે. જમીનના પેટાળમાં ઉતારવાની જગ્યાએ આજે આપણા દેશમાં વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે. કુદરત દર વર્ષે આપણને પીવાલાયક પુષ્કળ પાણી આપે છે પણ આપણું પાણી ભરવાનું પાત્ર ટૂંકું પડે છે. પરિણામે ક્યાંક પૂર જેવી તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થાય છે.

જલ હૈ તો કલ હૈ એ કહેવત અનુસાર આપણે એક પહેલ કરીશુ તો અન્ય લોકો પણ પ્રેરિત થશે આવા શુભભાવ સાથે રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળઅભિયાનમાં જોડાઈએ.