Page Views: 145983

વિશ્વા એલિવેટરના સંચાલકોએ ટેક્સટાઇલના વેપારી સાથે છેતરપિંડી કરતા પોલીસ કમિશનરને અરજી

ઉધનાના ગોડાઉનમાં લિફ્ટ ફિટ કર્યા બાદ પેનલ રિપ્લેસમેન્ટના નામે વિશ્વા એલિવેટરનો સંચાલક યોગેશ ઠક્કર રૂ. 2.50 લાખનું પેનલ બોર્ડ પણ કાઢીને લઇ ગયો-

સુરત-3-5-2018

શહેરના ભટાર રોડ ઓરોવિલ સોસાયટી ખાતે રહેતા વિશ્વા એલિવેટરના સંચાલકો દ્વારા ઉધનામાં ગોડાઉન ધરાવતા ટેક્સટાઇલના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની અરજી પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આ અંગે કમિશનરે ઉધના પોલીસને તપાસ કરવાનો હુકમ કર્યો છે.

ઉધના ખાતે આવેલા મન મોહક ફેશનના ડિરેક્ટર કમલેશ કોઠારીએ પોલીસ કમિશનર સતીષ શર્માને અરજી આપીને એવુ જણાવ્યું છે કે, તેમની કંપની દ્વારા ઉધના ઉદ્યોગ નગર સંઘ રોડ નંબર 10 ખાતે વર્ષ 2015માં મનમોહક ફેશનનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. આ સમયે તેમના આર્કિટેક્ટ નિરવ ગજ્જરે તેમની ઓળખ ભટાર રોડ ઓરોવિલ સોસાયટી ખાતે રહેતા અને વિશ્વા એલિવેટર નામે સંસ્થા ચલાવતા યોગેશ ઠક્કર સાથે કરાવી હતી. યોગેશ ઠક્કર વિશ્વા એલિવેટરના નામે શહેરના બિલ્ડીંગોમાં લિફ્ટ ફિટ કરી અને તેને મેઇન્ટેન કરવાની કામગીરી કરે છે. વર્ષ 2015માં પોતાના ગોડાઉનમાં લિફ્ટ નાંખવાનું કામ કમલેશ કોઠારીએ યોગેશ ઠક્કરને સોંપ્યું હતું અને ચેક દ્વારા રૂપિયા બે લાખ 13 હજાર 759 અને રૂપિયા 1 લાખ 17 હજાર 600નું પેમેન્ટ ચુકવ્યું હતું. આ ડિલમાં એક વર્ષના લિફટ મેઇન્ટેનન્સ કરી આપવાની શરત પણ સામેલ હતી. વિશ્વા એલિવેટર્સ દ્વારા લિફટ નંખાયા બાદ સતત 15 દિવસ સુધી ક્યારેય લિફ્ટ ચાલી જ નથી અને વારંવાર રિપેર કરવાની તેમને ફરજ પડી હતી. આખરે કંટાળી અને કમલેશભાઇ દ્વારા બીજી કંપનીને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને વધારાનો રૂપિયા 50 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. યોગેશભાઇ ઠક્કર વર્ષ 2017માં ઓફિસ પર આવ્યા હતા અને તેમણે એવુ કહ્યું હતું કે, મેં તમારી લિફ્ટ નાંખી છે અને તમે બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે બજારમાં મારી કંપનીની રેપ્યુટેશન ખરાબ થાય છે. લિફટમાં જે સામાન નાંખવામાં આવ્યો છે તેમાં મશીનરી પ્રોબ્લેમ છે અને જ્યાંથી આ પાર્ટસ લઇને તમને નાખી આપ્યા છે તેમની આ પાર્ટની વોરન્ટી છે તો તમો મારા પર ભરોસો રાખો હું તમને આ તમામ પાર્ટસ મફત બદલી આપીશ. આ સમયે કમલેશ કોઠારીએ આર્કિટેક્ટ નિલેશ ગજ્જરની જવાબદારી ઉપર યોગેશ ઠક્કરને લિફટની પેનલ, મોટર અને પાવર પેક વિગેરે મળીને અંદાજે રૂપિયા 2.50 લાખની કિમતનો આખો સેટ આપ્યો હતો. આ સેટ યોગેશ ઠક્કરે બારોબાર વેંચીમાર્યો હોવાનો ફરિયાદીએ દાવો કર્યો છે. જ્યારે આર્કિટેકટ નિલેશ ગજ્જર અને સ્ટાફના વ્યક્તિ જાવિદભાઇ યોગેશ ઠક્કરના ઘરે આ બાબતે કહેવા ગયા કે, તેમની લિફ્ટ રિપેર કરી આપો ત્યારે આ બન્નેને પણ યોગેશ ઠક્કર અને તેમની પત્ની ભાવિકા ઠક્કરે ગાળાગાળી કરીને અમે હવે લિફટ ચાલુ નહીં કરી આપીએ એવુ કહીને જો હવે ઘરે આવશો તો તમને પોલીસ કેસમાં ફસાવી દઇશું એવી ધમકી આપી હતી. લિફટ બગડી ગયા બાદ સામાન પણ કાઢી જનારા યોગેશ ઠક્કર અને તેમની પત્ની વિરૂધ્ધ કમલેશ કોઠારીએ પોલીસ કમિશનરને અરજી કરીને આ બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની માંગણી કરી છે. આ મામલે ઉધના પોલીસે તપાસ આદરી છે.