સુરત-3-5-2018 (નરેશ કાપડિઆ દ્વારા)
દેશની શ્રેષ્ઠ અભિનેત્રીઓને યાદ કરાય ત્યારે જેમને અચૂક યાદ કરવા પડે એવાં નરગિસ દત્તને આ જગત છોડી ગયાને ૩૭ વર્ષ થયાં. ૩ મે, ૧૯૮૧ના રોજ તેમનું કેન્સરને કારણે માત્ર ૫૧ વર્ષની વયે નિધન થયું હતું. નરગિસને તેમની ‘મધર ઇન્ડિયા’ની ભૂમિકા માટે હંમેશા યાદ કરાશે. જે ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે ભરત તરફથી મોકલાઈ હતી. એ રાધાની ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તેમને સરકારે પદ્મશ્રીના ઈલકાબથી નવાજ્યા હતાં અને તેમના નિધન બાદ તેમની સ્મૃતિમાં દેશના નેશનલ એવોર્ડમાં કોમી એકતાનો સંદેશ દેતી ફિલ્મના એવોર્ડને ‘નરગિસ દત્ત એવોર્ડ’નું નામ અપાયું છે.
કોલકાતામાં ૧ જૂન, ૧૯૨૯ના રોજ નરગિસનો ફાતિમા રશીદ રૂપે જન્મ થયો હતો. પિતા અબ્દુલ રશીદ ઉર્ફે મોહન બાબુ મૂળ રાવળપીંડીના ધનવાન પંજાબી હિંદુ મોહયાલ ત્યાગી હતાં. જેમણે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. માતા જદ્દન બાઈ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયિકા હતાં. ભારતીય સિનેમાના આરંભ કાળના તેઓ ગાયિકા હતાં. નરગિસના મામાના દીકરા અનવર હુસૈન પણ અભિનેતા હતાં.બેબી નરગિસે છેક ૧૯૩૫માં ‘તલાશ-એ-હક’ ફિલ્મમાં છ વર્ષની ઉમરે બાળ કલાકાર રૂપે અભિનય યાત્રાની શરૂઆત કરી હતી. ‘તમન્ના’ (૧૯૪૨)થી તેઓ નાયિકા રૂપે દેખાયા. ચાલીસથી સાંઠના દાયકા સુધી તેઓ ટોચના અભિનેત્રી બની રહ્યાં. તેમની ફિલ્મો વ્યવસાયિક રીતે પણ સફળ થતી અને તેમના અભિનયની હંમેશા સરાહના થતી. તેમને સૌથી વધુ સફળતા સાથી કલાકાર રાજ કપૂર સાથે મળી હતી. રાજ-નરગિસની જોડી આજે પણ ટોચની રોમાન્ટિક પેર રૂપે યાદ કરાય છે.
૧૯૫૮માં જયારે ‘મધર ઇન્ડિયા’ની સફળતાની ટોચ પર હતાં ત્યારે નરગિસે તેમના સાથી કલાકાર સુનીલ દત્ત સાથે લગ્ન કરીને ફિલ્મમાં કામ કરવાનું બંધ કર્યું હતું. જોકે ૧૯૬૭માં ‘રાત ઔર દિન’ ફિલ્મમાં તેમણે અભિનય કર્યો અને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. તેમને સંજય, નમ્રતા અને પ્રિયા નામે સંતાનો છે. પતિ સુનીલ દત્ત કોંગ્રેસની સીટ પર મુંબઈમાંથી વારંવાર સાંસદ રૂપે ચૂંટાયા હતા અને તેમના નિધન બાદ દીકરી પ્રિયા દત્ત પણ સાંસદ બન્યાં હતાં. સંજય દત્ત હિન્દી ફિલ્મોના ટોચના અભિનેતા બની રહ્યાં છે, નમ્રતાના લગ્ન અભિનેતા રાજેન્દ્ર કુમારના અભિનેતા દીકરા કુમાર ગૌરવ સાથે થયાં છે.પતિ સુનીલ દત્ત સાથે નરગિસે ‘અજંતા આર્ટસ કલ્ચરલ ગ્રુપ’ બનાવ્યું હતું, જેના દ્વારા તેઓ ત્યારના મોટા અભિનેતાઓ અને ગાયકોને લઇને દેશની સરહદે કાર્યક્રમો કરતાં. સિત્તેરના દાયકાના આરંભમાં નરગિસ ‘સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઇન્ડિયા’ના પહેલાં સભ્ય બન્યાં હતાં. તેમણે પતિ સાથે જે રીતે સેવા કાર્યો કર્યા તેને કારણે નરગિસ સામાજિક કાર્યકર રૂપે બહાર આવ્યાં. ૧૯૮૦માં તેમનું નામાંકન રાજ્ય સભાના સભ્ય રૂપે પણ થયું.
૧૯૪૩માં ૧૪ વર્ષના નરગિસ ‘તકદીર’માં મોતીલાલ સામે અભિનય કરતાં મશહૂર થયાં હતાં. નરગિસને તેમની જે ફિલ્મો માટે યાદ કરાશે તેમાં ‘અંદાઝ’,‘બરસાત’, ‘આવારા’, ‘દિદાર’, ‘શ્રી ૪૨૦’, ‘ચોરી ચોરી’ કે ‘અદાલત’નો સમાવેશ થાય છે. ‘મધર ઇન્ડિયા’માં તેમનો શ્રેષ્ઠ અભિનય હતો. તો ‘રાત ઔર દિન’ પણ યાદગાર હતી. નરગિસને તેમની વિવિધતા, સ્ટાઈલ, ગ્રેસ અને સ્ક્રીન પ્રેઝન્સ માટે યાદ કરાશે. તેઓ ભારતીય મધ્યમવર્ગની નારીનું પ્રતીક બનીને પડદે આવતાં.
પેનક્રિયાટિક કેન્સરને કારણે ૩ મે, ૧૯૮૧ના રોજ નરગિસનું નિધન થયું.ન્યુ યોર્કના મેમોરીયલ સલોન-કેટેરિંગ કેન્સર સેન્ટરમાં સારવાર બાદ નરગિસને મુંબઈ લવાયા હતાં, જ્યાં ફરી તબિયત બગડતા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધાં હતાં. તેના થોડા જ દિવસો પછી તેમના દીકરા સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’ રજૂ થઇ હતી. દીકરાને રૂપેરી પડદે ચમકતો જોવાની તેમની ઈચ્છા અધૂરી રહી હતી. ૭ મે ના રોજ યોજાયેલા ‘રોકી’ના પ્રીમિયરમાં નરગિસ માટે એક બેઠક ખાલી રખાઈ હતી. તેમની યાદમાં મુંબઈના પરા બાન્દ્રામાં ‘નરગિસ દત્ત રોડ’ છે.
નરગિસના યાદગાર ગીતો: ડર ના મોહબ્બત કર લે, કોઈ મેરે દિલ મેં – અંદાઝ, કાહે કોયલ શોર મચાયે રે – આગ, મુઝે કિસી સે પ્યાર હો ગયા, છોડ ગયે બાલમ – બરસાત, જબ સે બલમ ઘર આયે, તેરે બિના આગ યે ચાંદની, ઘર આયા મેરા પરદેસી– આવારા, આજા રે અબ મેરા દિલ, રાજા કી આયેગી બહાર, યે શામ કી તન્હાઈયાં - આહ, દેખ લિયા મૈને, ચમનમેં રહકર વીરાના, બચપન કે દિન ભુલા ન દેના – દીદાર, પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ – શ્રી ૪૨૦, આજા સનમ મધુર ચાંદની મેં, યે રાત ભીગી ભીગી, પંછી બનું ઉડતી ફીરું – ચોરી ચોરી, જાગો મોહન પ્યારે – જાગતે રહો, જાના થા હમ સે દૂર, ઉનકો યે શિકાયત હૈ – અદાલત, દુનિયા મેં હમ આયે હૈ તો, નગરી નગરી દ્વારે દ્વારે – મધર ઇન્ડિયા, રાત ઔર દિન દિયા જલે, આવારા અય્ મેરે દિલ – રાત ઔર દિન.
• Share •