સુરત-18-04-2018
ભૂમિની અંદર બનેલા માર્ગો (સાબાત) કિલ્લાના બુરજો સુધી પહોચી ગયા પરિણામે કિલ્લાના રક્ષણમાં રહેલા હમઝબાને તેના સસરા નિઝામુદ્દહીન લારીને અકબર પાસે સુલેહ માટે મોકલ્યો અને કિલ્લમાં રહેલાઓ માટે જીવનદાન માંગ્યુ અને શરણાગતિ સ્વીકારી લીધી. આમ સુરતનો ઘેરો કુલ સુડતાલીસ દિવસ ચાલતો. હિ.સ.૯૮૦, સવ્વાલ માસની તેવીસમી અને ગુરુવારે (ઈ.સ.૧૫૭૩,ફેબ્રુઆરી-૨૬) પૂરો થયો.અકબરે કાસિમ અલપખા અને ખ્વાજા દોલત નાસીરને મોકલીને હમઝબાનને પકડી લાવવા હુકમ કર્યો. ઉપરાંત કિલ્લામાં રહેલા માણસો, મિલકત, પશુઓની યાદી તૈયાર કરવા કારકુનો મોકાલ્યા અને અકબરે જાતે બીજા દિવસે શુક્રવારે કિલ્લાનું નિરિક્ષણ કર્યું. દુરસ્તી માટે અને કિલ્લામાંની વજનદાર સુલેમાની તોપોને આગ્રા લઇ જવા હુકમો કર્યા. કેન્દ્ર સરકારના મુનશી અશરફખાન મીરે કિલ્લાના વિજયના ઉપલક્ષમાં પ્રશસ્તિ રચી હતી જે દ્વારા અબ્જદ પદ્ધતિથી કિલ્લો જીતાયાનું વર્ષ હિ.સ.૯૮૦,સવ્વાલ-૨૩ નીકળે છે. પ્રશસ્તિ આ પ્રમાણે છે.
‘અકબરે સુરતનો કિલ્લો વિના કોઈ હરકતે મેળવ્યો.તેની તલવાર સિવાય દુનિયાના કિલ્લાઓની બીજી કોઈ ચાવી નથી. આ વિજય નસીબદાર સિવાય કોઈને જ પ્રાપ્ત થાય તેમ નહતો. તેને આ અદભુત કિલ્લો જીત્યો પરંતુ જગતના બાદશાહને માટે એ કાર્ય કંઈ મુશ્કેલ નહતું.’
બાદશાહ કબર દ્વારા સુરતના કિલ્લાના ઘેરાના સમય દરમિયાન કેટલાક બનાવો બન્યા હતા જેનો સુરતના રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવન સાથે સંબંધ છે. ઘેરા દરમિયાન જ મિર્ઝા ભાઈઓ શાહ મિર્ઝા અને મહમ્મદ હુસેન મિર્ઝા એ ઉત્તર ગુજરાતમાં પાટણ ઉપર આક્રમણ કરીને સુરતના ઘેરામાંથી ખસી જવા અકબરને મજબુર કરવા પ્રયત્ન કર્યો પરંતુ અમદાવાદથી જઈને મિર્ઝા અઝીઝ કોકા, કુત્બુદ્દીન મોહમ્મદખાં અને માળવાના જાગીરદારોએ તેમને દખ્ખણ તરફ તાગેડ્યા અને પછી વિજયી મુઘલ સેના ૧૫૭૩, ફેબ્રુઆરી-૨૩મીએ સુરત દરબારમાં હાજર થઇ ઘેર દરમિયાન બીજો બનાવ અકબર અને પોર્ટુગીઝો વચ્ચેની મુલાકાતનો બન્યો. મિર્ઝા ભાઈઓએ અકબરના સુરત તરફના આક્રમણ સામે પોર્ટુગીઝોની મદદ માગી હતી અને બદલામાં તેમને સુરતનો કિલ્લો સોપી દેવા વચન આપ્યું હતું.
તે અનુસાર પોર્ટુગીઝ વાઈસરોય એન્ટોનિયો દ નરોન્હાએ નૌકાકાફ્લો રવાના પણ કર્યો પણ દમણ પાસે આવતા તેમને અકબરના ભૂમિસૈન્યની તાકાતના સમાચાર મળ્યા તેથી પોર્ટુગીઝ વાઇસરોયના દૂત બનીને સુરત પાસે અકબરને મળ્યા અને મૈત્રીપૂર્ણ રજૂઆત કરી. પોર્ટુગીઝ આધારો પ્રમાણે તો અકબરે પણ પોતાનું એક દૂત મંડળ ગોવા મોકલ્યું હતું અને ૧૫૭૩, માર્ચ-૧૮મીએ એક ફરમાન પણ આપ્યું હતું. ગુજરાતનો વિદેશ વેપાર અને હજયાત્રીઓના કાફલા નિર્વિઘ્ને જઈ શકે તે માટે પોર્ટુગીઝો સાથેની મિત્રતા અકબરને જરૂરી જણાઈ હશે.(ક્રમશ:)
• Share •