સુરત-16-4-2018
શહેરના વરાછા રોડ વિસ્તારમાં વ્હાઇટ લાઇન કે યલો લાઇનની અંદર પાર્ક કરવામાં આવેલા વાહનો પણ ટ્રાફિક ક્રેઇનના માણસો દ્વારા આડેધડ ઉચકી જવાની શરૂઆત કરવામાં આવી છે. આજે સાંજે વરાછા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા સુમંગલ એપાર્ટમેન્ટની ગલીમાં અંદરની તરફ પાર્ક કરવામાં આવેલા વાહનો ક્રેઇનના માણસો દ્વારા ઉચકી લેવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને આંગડીયા પેઢીમાં કામ માટે આવતા લોકોએ પોલીસનો વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો. જાહેર રસ્તા ઉપર પાર્ક કરવામાં આવેલા વાહનો ટ્રાફીકમાં અડચણ રૂપ બનતા હોય અને તેને પોલીસ ઉચકી જાય તો તેની સામે આમ જનતા ક્યારેય વિરોધ કરતી નથી. પરંતુ જાહેર માર્ગની ગલીમાં અંદરની તરફ કે જ્યાં કોઇ સ્થળે વાહનોની અવર જવરને અડચણ થતી નથી એવી જગ્યા ઉપર અને તે પણ વ્હાઇટ પટ્ટાની અંદર પાર્ક કરવામાં આવેલા વાહનો ટ્રાફિક બ્રીગેડવાળા ઉચકી જઇને માત્રને માત્ર ઉઘરાણા કરતા હોવાથી લોકો રોષે ભરાયા હતા. એક વાહન ચાલકે તો પોલીસની આ કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને પોલીસ જમાદાર સાથે સંઘર્ષ પણ કર્યો હતો. શહેર ટ્રાફીક પોલીસની વધતી દાદાગીરી અને ક્રેઇનવાળાની દાદાગીરીથી શહેરીજનો હવે હેરાન પરેશાન થઇ ગયા છે અને જો ટ્રાફિક વિભાગ દ્વારા ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડીને આ લોકોની દાદાગીરી બંધ નહીં કરાવાય તો લોકરોષ વધારે ભભુકી ઉઠશે એવુ લાગી રહ્યુ છે.
• Share •