Page Views: 165578

મિલકતો જાહેર નહીં કરનાર અધિકારીઓનો પગાર અટકાવાયોઃ ગુજરાત સરકારનો નિર્ણય

સંબંધિત અધિકારીઓ ૩૧, એપ્રિલ-૨૦૧૮ સુધીમાં દર વર્ષની જેમ તેમની સ્થાવર-જંગમ મિલકત જાહેર કરી દેશે તો તેમનો આ બાકી પગાર ચાલુ મહિનાના પગાર સાથે મે મહિનામાં ચુકવવામાં આવશે.

ગાંધીનગરઃ 

             ગાંધીનગર ખાતે સચિવાલય સહીત રાજ્યભરમાં ફરજ બજાવતા વર્ગ-૧ અને ૨ના ૯૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓએ માર્ચ-૨૦૧૮ સુધીમાં તેમની સ્થાવર કે જંગમ મિલકત જાહેર કરી નથી.પરિણામે ગુજરાત રાજ્યના સેવા નિયમો પ્રમાણે આ અધિકારીઓનો માર્ચ-૨૦૧૮નો પગાર અટકાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના કર્મચારી જગત માટે કદાચ પહેલીવાર લેવાયેલા આ નિર્ણય એ ભારે ચર્ચા જગાવી છે. તો બીજીતરફ ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘે જણાવ્યું છે કે, સંબંધિત અધિકારીઓ ૩૧, એપ્રિલ-૨૦૧૮ સુધીમાં દર વર્ષની જેમ તેમની સ્થાવર-જંગમ મિલકત જાહેર કરી દેશે તો તેમનો આ બાકી પગાર ચાલુ મહિનાના પગાર સાથે મે મહિનામાં ચુકવવામાં આવશે.

                 ગુજરાત રાજ્યના સેવા નિયમો પ્રમાણે ગુજરાત સરકારના વર્ગ ૧ અને ૨ના અધિકારીઓએ દર વર્ષે તેમની મિલકતની જાહેરાત કરવાની હોય છે. આ જાહેરાત જાન્યુઆરી અથવા માર્ચ મહિનાના અંત સુધીમાં કરી દેવાની હોય છે. આ સમયમર્યાદામાં તેની જાહેરાત નહીં કરનારા અધિકારીઓને સંબંધિત વિભાગો દ્વારા નોટિસ આપી તાકીદ કરવામાં આવી હતી. જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે સ્થાવર અને જંગમ મિલકત જાહેર નહીં કરનાર અધિકારીઓનો પગાર અટકાવાશે, પરંતુ આ સૂચનાને ઘોળીને પી જઈ લગભગ ૯૦૦ જેટલા વર્ગ ૧ અને ૨ના અધિકારીઓએ તેમની સ્થાવર અને જંગમ મિલકત્ત જાહેર નહીં કરતા આ અધિકારીઓનો પગાર અટકાવામાં આવ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં સ્થાવર અને જંગમ મિલકત્તો જાહેર નહીં કરવા બદલ અધિકારીઓનો પગાર અટકાવવાના આ નિર્ણયથી કર્મચારી જગતમાં ચકચાર મચી જવા પામી છે. કેન્દ્ર સરકારની જેમ જ ગુજરાત સરકારે પણ રાજ્યના વર્ગ-૧ અને વર્ગ-૨ના તમામ અધિકારીઓને સ્થાવર અને જંગમ મિલક્ત જાહેર કરવાનું ફરજીયાત કર્યું છે પણ, અત્યાર સુધીના વર્ષોમાં ઘણા અધિકારીઓએ તેની જાહેરાત નહીં કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા આંખ આડા કાન કરીને પગાર અટકાવવા જેવા કોઈ નિર્ણય લેવામાં આવ્યા નહોતા, પરંતુ આ વખતે પ્રથમ વાર રાજ્ય સરકારે આવા અધિકારીઓ પર તવાઇ લાવીને એપ્રિલ-૨૦૧૮નો પગાર અટકાવવાનો આદેશ કર્યો છે. જેમાં મહેસુલ, શિક્ષણ, આરોગ્ય સહીત જુદા જુદા વિભાગો અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ અધિકારીઓએ દર વર્ષે સ્થાવર અને જંગમ મિલકત્ત જાહેર કરવા માટેનું નિયત ફોર્મ ભરી આવક અને જમીન સહિતની સ્થાવર અને જંગમ મિલકત્તનો હિસાબ રજૂ કરવાનો હોય છે. જો કે આ અધિકારીઓ ૩૧ એપ્રિલ,૨૦૧૮ સુધીમાં તેમની સ્થાવર-જંગમ મિલક્ત જાહેર કરી દેશે તો તેમનો પગાર મે,૨૦૧૮ના પગારની સાથે આપવામાં આવશે.