Page Views: 146237

સીબીએસઈએ 10માં ધોરણની ગણિતની પરીક્ષા ફરી ન લેવાનો નિર્ણય કર્યો

30 માર્ચે કરી હતી જાહેરાત કે ધો-10 ગણિતની પરીક્ષા જુલાઈમાં લેવાશે

નવી દિલ્હીઃ

             સીબીએસઈએ 10માં ધોરણની ગણિતની પરીક્ષા ફરી ન લેવાનો નિર્ણય કર્યો છે. પેપર લીક મામલો સામે આવ્યા બાદ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાનું ફરી આયોજન કરવા અંગે વિચારી રહ્યા છીએ. આ પહેલા બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રી-ટેસ્ટ કરાવવાની વાત કહી હતી, એવામાં આ સમાચાર સ્ટુડન્ટ્સને રાહત આપનારા છે. બોર્ડનું કહેવું હતું કે લીક થયેલું પેપર આ વિસ્તારોમાં જ સર્ક્યુલેટ થયું હતું.

                      એચઆરડી મંત્રાલયના સેક્રેટરી અનિલ સ્વરૂપે જણાવ્યું કે, સીબીએસઇના ધો-10ના ગણિતના પેપરના લીક થયાની અસરો જોવા મળી નથી. એટલે વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને સીબીએસઇએ ગણિતની પરીક્ષા ફરીથી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી-NCR અને હરિયાણામાં પણ તેની પરીક્ષા લેવામાં નહીં આવે.સીબીએસઇ પ્રમાણે, આ ફેંસલો આન્સરશીટના મૂલ્યાંકન અને વિશ્લેષણ કર્યા પછી લેવામાં આવ્યો છે. તેમાં લીકની અસર ક્યાંય જોવા મળી નથી. આ સમાચાર 1.7 મિલિયન વિદ્યાર્થીઓ માટે રાહતભર્યા હોઇ શકે છે.30 માર્ચના રોજ દિલ્હી સીબીએસઇ તરફથી એજ્યુકેશન સેક્રેટરી અનિલ સ્વરૂપે 10મા ધોરણના મેથ્સ અને 12મા ધોરણના ઇકોનોમિક્સના પેપર્સની પરીક્ષાઓ માટે નવી તારીખો જાહેર કરી હતી.તેમણે કહેલું કે ધો-12ના અર્થશાસ્ત્રના પેપરની પરીક્ષા 25 એપ્રિલે લેવામાં આવશે. ધો-10નું ગણિતનું પેપર જૂલાઇમાં લેવામાં આવશે. ધો-10ની પરીક્ષા દિલ્હી અને હરિયાણામાં લેવામાં આવશે.