Page Views: 165723

મહિધરપુરાની વિદ્યાર્થિનીને થર્ટી ફર્સ્ટ માટે બ્યુટીપાર્લરમાં જવાની ના પાડતા કરી આત્મહત્યા

બીજા બનાવમાં ટી.વી.ના મુદ્દે પાંડેસરાની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો

સુરત:-

          સોમવાર થર્ટી ફર્સ્ટ હોવાથી મહિધરપુરાની વિદ્યાર્થિની બ્યુટીપાર્લરમાં જવા માંગતી હતી પણ તેના મોટાભાઇએ જવાની ના પાડતા હતાશ થઇને ગળે  ફાંસો ખાઇ લીધો હતો. તો બીજા બનાવમાં ટી.વી.ના મુદ્દે પાંડેસરાની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો હતો.

           પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મહિધરપુરા ખાતે આવેલી પટેલવાડી પાસે રહેતી ૧૭ વર્ષીય કિરણ ગણેશ લોનારીએ ગઇકાલે સાંજે ઘરમાં લાકડા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. કિરણ થર્ટી ફર્સ્ટ હોવાથી બ્યુટીપાર્લરમાં જવા માંગતી હતી પણ તેના મોટાભાઇએ તેને જવાની ના પાડી હતી. તેથી માઠું લાગતા આ પગલું ભર્યું હતું. તે ધો. ૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેના ૨ ભાઇ છે. પિતા નિવૃત્ત જીવન ગાળે છે. આ અંગે મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં પાંડેસરા બમરોલી રોડ સનાતન ડાયમંડ નગરમાં રહેતી ૧૪ વર્ષીય  સંજના ગુડુ કનોજીયાએ શનિવારે  સાંજે ઘરમાં પંખા સાથે સ્કૂલની ટાઇ અને બેલ્ટ બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેના સંબંધીએ કહ્યું કે, ગતરોજ તેને પરિવારના સભ્યોએ ટી.વી. બંધ કરીને ઘરકામ કરવા કહ્યું હતું. બાદમાં તેણે આ પગલું ભર્યું હતું. તે ધો. ૮માં ભણતી હતી. તેના પિતા અસ્ત્રી કામ સાથે સંકળાયેલા છે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ  આદરી છે.