સુરત-29-12-2017
ઘોડદોડ રોડ પર રહેતા ફાઇનાન્સરની પત્ની પાસેથી હત્યા કેસના આરોપીને જામીન મુક્ત કરાવવા રૂપિયા લીધા બાદ ફરી વખત તેની પાસેથી રૂપિયા પડાવવા ધાક ધમકી આપનારા વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર, ઘોડદોડ રોડ સૂર્ય કિરણ એપાર્ટમેન્ટ ખાતે રહેતા નરેશભાઇ જયંતીલાલ જૈન ઉધના વિસ્તારમાં ફાઇનાન્સ અને ચેક ડિસ્કાઉન્ટનો ધંધો કરે છે. તેમના પત્ની કિરણબેનના નામે પણ તેઓ બેન્કમાં એકાઉન્ટ ધરાવે છે. ગત સપ્ટેમ્બર મહિનામાં ઉધના હરિનગર ખાતે રહેતા તેમના મિત્ર હેમંત ધનજીભાઇ પટેલ તેમની ઓફિસ પર આવ્યા હતા. તેમજ એવુ જણાવ્યું હતું કે, તેમના ભાઇ આશીષ ધનજી પટેલ એક હત્યા કેસમાં જેલમાં છે તેને છોડાવવા માટે રૂપિયા 10 લાખની આવશ્યકતા છે. જેથી કિરણબેનના એકાઉન્ટમાંથી નરેશભાઇ જૈને હેમંતને રૂપિયા 10 લાખનોચેક આપ્યો હતો. આ રકમના સહારે જ હેમંત પટેલે પોતાના ભાઇ આશીષને હત્યા કેસમાં જામીન પર મુક્ત કરાવ્યો હતો. ત્યાર પછી હેમંત અને આશીષે કિરણબેન અને નરેશભાઇને ધાક ધમકી આપી અને વધુ રૂપિયા પાંચ લાખ પડાવી લીધા હતા.
આટલી રકમ પડાવ્યા પછી પણ હેમંત પટેલ અને આશીષ પટેલે વધુ રૂપિયા 12 લાખ ખંડણી પેટે માંગવા માટે ધાક ધમકી આપતા ફોન કર્યા હતા. આખરે કિરણબેન શાહે હેમંત અને આશીષ પટેલ વિરૂધ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.આર. શુક્લાએ વધુ તપાસ હાથ ધરી છે.
• Share •