Page Views: 139961

GST રિટર્ન ન ભરતા વેપારીઓને શોધીને નોટિસો ફટકારવા કવાયત

જીએસટી કલેકશન ૮૦,૮૦૮ કરોડ ગત મહિના કરતાં આવક ઘટી

નવી દિલ્હી:-

  નવેમ્બર મહિના માટેના જીએસટી કલેકશનના આંકડાએ સ્પષ્ટ કર્યું છે કે જીએસટી હેઠળ ટેકસ કલેકશન સતત ઘટી રહ્યું છે અને હવે સરકાર આ અંગે ગંભીર બનીને પગલાં લેશે તેવી શકયતા સૂત્રોએ વ્યકત કરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જે વેપારીઓએ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ રિટર્ન અને ટેકસ ભરતા નથી તેમને નોટિસો મોકલવાની શરૂ થાય તેવી પણ શકયતા છે.

નવેમ્બર મહિના માટેનો જીએસટી ભરવાની છેલ્લી તારીખ ૨૦ ડિસેમ્બર હતી પરંતુ મંગળવારે સરકારે ૨૫ ડિસેમ્બર સુધીમાં થયેલા કલેકશનના આંકડા જાહેર કર્યાં હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બર મહિના માટે જીએસટી કલેકશન રૂ.૮૦,૮૦૮ કરોડ નોંધાયું છે, જે ઓકટોબર મહિનામાં રૂ. ૮૩,૦૦૦ કરોડથી વધારે હતું.

સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, 'જીએસટીની શરૂઆતની સમસ્યાઓના કારણે અનેક લોકોએ રિટર્ન ભરવાના અટકાવી દીધા છે એ હકિકત છે. બીજી તરફ, તારીખો બાબતે પણ હજારો વેપારીઓમાં ગૂંચવણ છે. જોકે, કોઇપણ કારણથી વેપારીઓ ટેકસ ભરવાનું અટકાવે તે યોગ્ય નથી. એક શકયતા એ પણ છે કે અગાઉના કરવેરા કાયદાની જે ક્રેડિટ વપરાયા વગરની પડી હોય તે કલેઇમ કરવાની છેલ્લી તારીખ ૨૭ ડિસેમ્બર છે અને વેપારીઓએ તેનો ઉપયોગ કર્યો હોય તેના કારણે પણ ટેકસ કલેકશન ઘટ્યું હોય તેવું બની શકે.' જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી)એ અધિકારીઓને રિટર્ન અને ટેકસ નહીં ભરતા વેપારીઓની વિગતો ચકાસવા તથા તેમને રિટર્ન પ્રક્રિયામાં જોડવાની સૂચના આપી છે. જુલાઇ-ઓકટોબર દરમિયાનના આંકડા દર્શાવે છે કે ૯૫ લાખ વેપારીઓ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ થયા છે તે પૈકી માત્ર ૬૦ લાખે જ રિટર્ન ફાઇલ કર્યાં છે. સરકાર ઇચ્છે છે કે ટેકસ જવાબદારી ના હોય તેવા સંજોગોમાં વેપારીઓ શૂન્ય ટેકસ જવાબદારીનું પણ રિટર્ન ભરે. સૂત્રોના જણાવ્યા મુજબ, જીએસટીઆર ૩બી અને ટેકસ નહીં ભરનારા વેપારીઓની વિગતો ચકાસીને તેમને નોટિસ મોકલવામાં આવે તેવી શકયતા છે.