સુરત:-
સુરતની સૌથી વધુ પાટીદાર મતદાર ધરાવતી વરાછા બેઠક પરથી કોગ્રસના દિગ્ગજ ધીરૃ ગજેરાને બીજીવાર હરાવનારા ભાજપના કુમાર કાનાણીને વિજય રૂપાણીની ટીમમાં સ્થાન મળ્યું છે. કુમાર કાનાણીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે તેઓએ શપથ લીધા બાદ ગુજરાતના વિકાસ સાથે લોકોના કામ કરવાની ખાત્રી આપી હતી.
ભાજપ માટે ટફ ગણાતી બેઠક જીત્યા હોવાથી કાનાણીને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ભાજપે કાનાણીને મંત્રી મંડળમાં સમાવીને અનેક લોકોને મેસેજ પણ આપી દીધા છે. પાટીદાર અનામત આંદોલનના એ.પી. સેન્ટર ગણાતા સુરતના વરાછા વિધાનસભામાં ૭૫ ટકા પાટીદાર મતદાર, કોંગ્રસના ઉમેદવારને સીધો પાસનો સપોર્ટ અને આંદોલન દરમિયાન પોલીસ દમનની વાત સહિત તમામ પરિબળ ભાજપની વિરૂધ્ધમાં હોવા છતાં આ બેઠક ભાજપના કુમાર કાનાણીએ ૧૩૯૯૮ મતે વિજય થયાં હતા. આ બેઠક પર સમગ્ર ગુજરાતની નજર હોવાથી પ્રતિષ્ટઠાનો જંગ કહેવાતી બેઠક પર વિજેતા થયેલા કાનાણીને મંત્રી બનાવાયા બાદ તેઓએ ગુજરાત સરકારમાં રહીને વિકાસની ગતિ વધારવા સાથે લોકોને નડતી મુશ્કેલીનું નિવારણ કરવા માટેની ખાત્રી આપી હતી. કુમાર કાનાણી પાટીદાર સમાજમાંથી આવતા હોવાથી તેમને મંત્રી બનાવીને ભાજપે અનેક લોકોને મેસેજ આપી દીધા છે. સુરતમાં પાટીદાર ધારાસભ્યને મંત્રી બનાવાયા બાદ તેમના માટે પણ કામગીરી માટે અનેક પડકાર ઉભા થશે અને અનેક સમ્સયાનો સામનો કરવો પડશે તે નક્કી છે.
• Share •