સુરત-22-12-2017
શહેરના રિંગરોડ ખાતે આવેલી વણકર ટેક્સટાઇલ સંઘમાં દુકાન ધરાવતા વેપારીઓ દ્વારા ભગવાન બુધ્ધની પ્રિન્ટ વાળી સાડીઓ બનાવવામાં આવી હતી. આ અંગે જાણ થતા સમસ્ત યુવા આંબેડકર સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી અને આ વેપારીઓ સામે પગલા ભરવાની માંગણી કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી દુભાવતા આ કૃત્ય સામે કાર્યવાહી કરવા માટે ક્લેક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા પોલીસને કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. પોલીસે ગુરૂવારે રાત્રે માર્કેટ વિસ્તારમાં દરોડા પાડીને 1200 નંગ સાડી સાથે ચાર વેપારીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, કુલ 1200 જેટલી સાડીનો જથ્થો મળી આવ્યો છે અને આરોપી રાકેશ શાહ, ભરત, પ્રકાશ અને રવિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ફરિયાદ નોંધની વધુ તપાસ હાથ ધરી છે. સાડીની ડિઝાઇન કોણે બનાવી અને સાડીઓ ક્યાં પ્રિન્ટ થઈ એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, બે દિવસ અગાઉ કલેકટરને અપાયેલાં આવેદનમાં આ સાડીઓ વણકર ટેક્સટાઇલમાં દુકાન ધરાવતા શિવમ ટેક્સટાઇલના માલિક અને રાધાક્રિષ્ણ ટેકસટાઇલ માર્કેટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
• Share •