સુરત-21-12-2017
ઉછીના આપેલા રૂપિયા પરત આપવાના બહાને સરથાણા
ખાતે યુવાનને બોલાવીને તેને મારપીટ કરી ત્રણ આરોપીઓએ લિફ્ટના બોક્સમાંથી નીચે ફેંકી દીધો હતો. છ મહિના પહેલાની આ ઘટનામાં સરથાણા પોલીસે કોર્ટના હુકમ બાદ ગુનો દાખલ કર્યો છે. સરથાણા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, ગત તા.20-6-2017ના રોજ સરથાણા મીરા એવન્યુ એપાર્ટમેન્ટ ખાતે નેતે શિવનારાયણ કેવટ, લાલમન શિવનારાયણ કેવટ અને રમેશ ઉર્ફે બોસ કેવટે રાજુ પ્રસાદને તેણે ઉછીના આપેલા રૂપિયા 30 હજાર પરત લેવા માટે સરથાણા મીરા એવન્યુ બિલ્ડીંગ ખાતે બોલાવ્યો હતો. જ્યાં રાજુ પ્રસાદને નેતે શિવનારાયણ કેવટ, રમેશ કેવટ અને લાલમન સહિત અન્ય દસથી બાર વ્યક્તિએ ભેગા મળીને રાજુ પ્રસાદને લાકડાના ફટકા મારીને બેહોશ કરી નાંખ્યો હતો. ત્યાર બાદ રાજુ પ્રસાદને આ બધાએ ભેગા મળીને મીરા એવન્યુ બિલ્ડીંગના લિફ્ટના ખાડામાં ફેંકી દીધો હતો. જેના કારણે રાજુ પ્રસાદનું મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જો કે, રાજુ પ્રસાદના પિતા ચુન્નુ પ્રસાદે આ અંગે કોર્ટમાં ફરિયાદ કરીને પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. કોર્ટે આ અંગે હુકમ કરતા સરથાણા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ અંગે વધુ તપાસ પી આઇ આર એલ દવે એ હાથ ધરી છે.
• Share •